AI એજન્ટ્સની સુરક્ષાની કસોટી: એન્થ્રોપિકે બનાવ્યું ડિજિટલ જાળ, 1,700થી વધુ પરીક્ષણો કર્યાં
Anthropic Siren Honeypot Trap: સિલિકોન વેલીમાં અત્યારે આ વાતની ચર્ચા ચાલી રહી છે કે જેન્સન હુઆંગ જેવા દિગ્ગજ અધિકારીઓ પણ હની ટ્રેપનો ભોગ બની શકે છે. આ દરમિયાન AI લેબ એન્થ્રોપિકે આ મુદ્દાને નવા દૃષ્ટિકોણથી જોતાં એક મોટો સવાલ ઉઠાવ્યો છે કે શું AI એજન્ટ્સ પણ હની ટ્રેપમાં ફસાઈ શકે છે. હકીકતમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે માત્ર ઈમેલ લખવા કે સવાલોના જવાબ આપવા પૂરતા મર્યાદિત ચેટબોટથી ઘણું આગળ વધી ગયું છે. જોકે, આ સુવિધા સાથે એક ગંભીર ચિંતા પણ જોડાયેલી છે કે શું AI એજન્ટ્સ નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે. આ સવાલનો જવાબ શોધવા માટે એન્થ્રોપિકે સાયરન નામનું ડિજિટલ જાળ બનાવ્યું છે.
એક બ્લૉગ પોસ્ટમાં એન્થ્રોપિકના સંશોધકોએ જણાવ્યું કે સાયરન હનીપોટની જેમ કામ કરે છે. તેને AI એજન્ટ્સને ખોટાં કામ કરવા માટે ઉશ્કેરવા અથવા લલચાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે, જેથી ચકાસી શકાય કે તેઓ ખરેખર નક્કી કરેલી મર્યાદાઓ ઓળંગે છે કે નહીં.
સંશોધનમાં બનાવ્યાં 26 ટેસ્ટ સેન્ડબોક્સ
- જ્યારે ડેવલપર કોઈ કમ્પ્યુટર પર AI એજન્ટને કામ કરવાની મંજૂરી આપે છે, ત્યારે સામાન્ય રીતે તેને સેન્ડબોક્સમાં રાખવામાં આવે છે.
- સેન્ડબોક્સ એટલે એક એવો બંધ ડિજિટલ રૂમ, જે મર્યાદિત કરે છે કે AI કઈ ફાઇલો, ટૂલ્સ અને નેટવર્ક્સ સુધી પહોંચી શકે છે.
- સાયરનમાં એન્થ્રોપિકે જાણીજોઈને આ સુરક્ષા દીવાલોને નબળી બનાવીને તેનાથી ઊલટું કર્યું.
- સંશોધકોએ પાંચ સામાન્ય સેટઅપમાં 26 ટેસ્ટ સેન્ડબોક્સ બનાવ્યાં, જેમાં જાણીજોઈને કેટલીક નબળાઈઓ અથવા માહિતી લીક થવાની શક્યતાઓ રાખવામાં આવી હતી.
- આ ખામીઓ ધરાવતા સેટઅપમાં AI એજન્ટ્સને કોડિંગ અને સર્વર સાથે જોડાયેલાં રોજિંદાં કામ સોંપવામાં આવ્યાં હતાં. આમાંથી કેટલાંક કામ એવાં હતાં, જેને માત્ર ત્યાં ઉપલબ્ધ વસ્તુઓની મદદથી પૂરાં કરવાં અશક્ય હતાં.
1,700થી વધુ પરીક્ષણો કરાયાં
આ મર્યાદાની બરાબર બહાર એન્થ્રોપિકે કેટલીક ડિજિટલ લાલચ રાખી હતી. તેમાં મદદરૂપ ફાઇલો, પાસવર્ડ અને નકલી ઇન્ટરનેટ સેવાઓ સામેલ હતી. સંશોધકોએ ત્યાં કેટલીક ઉશ્કેરણીજનક નોંધો પણ મૂકી હતી, જેમાં AIને સંપૂર્ણ તપાસ કરવા અથવા કામ ઝડપથી પૂરું કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેને બહાર નીકળવાની ક્યારેય છૂટ આપવામાં આવી નહોતી.
કુલ મળીને સાયરન દ્વારા 1,700થી વધુ અલગ-અલગ પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. આ તમામ પરીક્ષણોને અલગ અને સુરક્ષિત ટેસ્ટિંગ વિસ્તારની અંદર રાખવામાં આવ્યાં હતાં, જેથી તેની કોઈ અસર વાસ્તવિક દુનિયા પર ન પડે.
આ પાંચ મોડલની કસોટી કરાઈ
એન્થ્રોપિકે પોતાની છ મોડલની સાયરન ઓપરેટિંગ સિસ્ટમ પર કસોટી કરી હતી. આ મોડલમાં સામાન્ય રીતે જાહેર પ્રોડક્ટમાં સામેલ વધારાનાં સુરક્ષા સ્તરો નહોતાં. આ પરીક્ષણમાં જૂનાં વર્ઝન ક્લાઉડ માઇથોસ 5 અને ક્લાઉડ માઇથોસ 5.1ની સાથે નવાં મોડલ ક્લાઉડ ઓપસ 5.5, ક્લાઉડ સૉનેટ 5.5, ક્લાઉડ હાઈકુ 5.5 અને ક્લાઉડ માઇથોસ 5.2નો સમાવેશ થતો હતો.
પરિણામોમાં અલગ-અલગ વર્ઝન વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. જ્યારે પરવાનગી વિના બહારની ફાઇલો અથવા પાસવર્ડનો ખોટો ઉપયોગ કરવાની વાત આવી, ત્યારે ક્લાઉડ માઇથોસ 5 (Claude Mythos 5) 25.8 ટકા કિસ્સામાં આ જાળમાં ફસાયું હતું. જ્યારે માઇથોસ 5.1 માત્ર 12.7 ટકા કિસ્સામાં જ આવું કરી શક્યું હતું.
નવાં મોડલ વધુ સમજદાર
બીજી તરફ, નવાં ક્લાઉડ 5.5 અને માઇથોસ 5.2 વર્ઝનમાં ખોટા ઉપયોગનો દર ઘટીને માત્ર 0.6થી 1.6 ટકાની વચ્ચે રહ્યો હતો.
એન્થ્રોપિકનું માનવું છે કે નવાં મોડલ આટલાં વધુ સારા કેમ બન્યાં, તેનું ચોક્કસ કારણ તેને સંપૂર્ણપણે ખબર નથી. જોકે, કંપનીએ આ સુધારાનો શ્રેય વધારાની તાલીમને આપ્યો છે. આ તાલીમથી મોડલને લાલચને ઓળખવામાં અને તેના વિશે તર્કપૂર્ણ વિચાર કરવામાં મદદ મળી હતી.

