Apple HomeView: Appleએ સ્માર્ટ હોમ કેટેગરીમાં એક નવું ગૅજેટ રજૂ કર્યું છે. તેણે ડિસ્પ્લે અને સ્પીકરને જોડીને Apple HomeView તૈયાર કર્યું છે. તેની સરખામણી ‘એમેઝોન ઇકો શો’ સાથે કરી શકાય છે. સરળ ભાષામાં સમજીએ તો Appleનું નવું ગૅજેટ ડિસ્પ્લે અને સ્પીકરનું સંયોજન છે, જેના પર યુઝર્સ મનોરંજનનો આનંદ માણી શકશે. તેઓ સ્માર્ટ હોમનું સંચાલન પણ કરી શકશે. ₹39,900માં લૉન્ચ થયેલા આ ડિવાઇસ વિશે વિગતવાર જાણીએ.
Apple HomeView નાં મુખ્ય ફીચર્સ
Apple HomeView માં 7 ઇંચનું લિક્વિડ રેટિના ડિસ્પ્લે છે. તે એલ્યુમિનિયમ બૉડી અને સ્ટેનલેસ સ્ટીલ હિન્જ દ્વારા ગુંબજ આકારના સ્પીકર બેઝ સાથે જોડાયેલું છે. આ હિન્જ તેને ટેબલ અથવા રસોડાના કાઉન્ટર પર સરળતાથી કોઈપણ ખૂણે નમાવવાની સુવિધા આપે છે.
Apple ન્યૂઝરૂમ અનુસાર, આ ગૅજેટમાં ‘ટ્રુ ટોન’ અને અડૅપ્ટિવ બ્રાઇટનેસ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રૂમમાં રહેલા પ્રકાશ પ્રમાણે બ્રાઇટનેસને 500 નિટ્સથી 0.3 નિટ્સ સુધી સમાયોજિત કરે છે. ખાસ વાત એ છે કે તેનું ઇન્ટરફેસ યુઝરનું અંતર ધ્યાનમાં રાખીને બદલાય છે. એટલે કે, દૂરથી સામાન્ય માહિતી અને નજીક આવતાં વિગતવાર માહિતી દર્શાવે છે. કંપનીએ તેનું વૉલ-માઉન્ટેડ મૉડલ પણ લૉન્ચ કર્યું છે, જેને ઘરના મુખ્ય દરવાજા પાસે અથવા દીવાલ પર લગાવી શકાય છે.
યુઝર્સના ચહેરા ઓળખીને કરશે મદદ
Apple અનુસાર, Apple HomeView માં ફેસ રેકગ્નિશન ટેક્નૉલૉજી આપવામાં આવી છે. તે ઘરના છ અલગ-અલગ સભ્યોના ચહેરા ઓળખી શકે છે. જેવો કોઈ સભ્ય તેની સામે આવે છે, કે તરત જ તે પોતાની હોમ સ્ક્રીન પર તે યુઝરની વ્યક્તિગત સામગ્રી શરૂ કરી દે છે.
સિરી AI અને Apple ઇન્ટેલિજન્સનો સપોર્ટ
HomeViewની મોટી ખાસિયત સિરી AI છે. તે નેક્સ્ટ જનરેશન Apple ઇન્ટેલિજન્સ પર કામ કરે છે. તે અવાજનું સ્તર આપમેળે વધારી અથવા ઘટાડી શકે છે. સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે પણ સમજે છે. જે યુઝર્સ પાસે Apple ઇન્ટેલિજન્સને સપોર્ટ કરતો iPhone અથવા iPad હોય, તેમના સંદેશાઓ અને ઈમેઇલ સમજીને તે વધુ સચોટ જવાબ આપે છે. તેના પર થતી વાતચીત યુઝર્સ પોતાના iPhone, iPad અને Mac પર પણ ચાલુ રાખી શકે છે.
HomeViewમાં બે ડ્રાઇવર્સ, એક ડાઉન-ફાયરિંગ વૂફર અને પેસિવ રેડિયેટર્સ આપવામાં આવ્યા છે, જે આખા રૂમમાં દમદાર બૅસ આપે છે.
હૅન્ડઓફ ફીચરની મદદથી યુઝર્સ કારમાં વાગતું ગીત પોતાના iPhoneને HomeViewની સામે લાવીને તરત જ તેના પર ટ્રાન્સફર કરી શકે છે.
તેની મદદથી એકસાથે નવ સિક્યુરિટી કૅમેરાની લાઇવ ફીડ ટીવી અથવા સ્ક્રીન પર જોઈ શકાય છે. ઘરની સ્માર્ટ લાઇટ બંધ કરી શકાય છે. ડોરબેલ વાગે ત્યારે દરવાજે આવેલા વ્યક્તિ સાથે વાત કરી શકાય છે અને ગેટ અનલૉક કરી શકાય છે. રસોડામાં કામ કરતી વખતે તે ‘કુકિંગ શેફ’ની જેમ રેસિપી માટે પગલાંવાર માર્ગદર્શન આપે છે અને તેને બોલીને સંભળાવે છે.
Apple HomeView ની કિંમત
Apple HomeView ના ટેબલટૉપ મૉડલ અને વૉલ-માઉન્ટેડ મૉડલ બંનેની પ્રારંભિક કિંમત ₹39,900 રાખવામાં આવી છે. તેના પ્રી-ઑર્ડર શરૂ થઈ ગયા છે. તે 13 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. તેની વૉલ-માઉન્ટેડ કનેક્ટર ઍક્સેસરીઝની કિંમત ₹6,900થી શરૂ થાય છે. તે ચાર રંગોમાં મળશે: સિલ્વર, સ્ટારલાઇટ, રોઝ પિંક અને સ્પેસ ગ્રે.

