CES 2026 Indian Startups: દુનિયાના સૌથી મોટા ટેકનોલોજી ઈવેન્ટ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES 2026) માં ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની વધતી હાજરી ચર્ચાનો વિષય બની છે. શોના એક ટોચના અધિકારીએ ભારતીય ભાગીદારીની પ્રશંસા કરતા કહ્યું કે આગામી વર્ષોમાં તેઓ ભારત તરફથી વધુ વ્યાપક ભાગીદારીનું સ્વાગત કરે છે. CES ના વાઇસ પ્રેસિડેન્ટ અને શો ડિરેક્ટર જોન કેલીએ વાતચીત દરમિયાન કહ્યું, “CES માં ભારતીય હાજરી સતત વધી રહી છે. મને લાગે છે કે તમે વધુ ને વધુ ભારતીય સ્ટાર્ટઅપ્સને અહીં આવતા અને ભાગ લેતા જોઈ રહ્યા છો.”
‘અલ્ટ્રાહ્યુમન’ નો વિશેષ ઉલ્લેખ
કેલીએ ખાસ કરીને બેંગલુરુ સ્થિત ટેકનોલોજી અને વિયરેબલ કંપની ‘અલ્ટ્રાહ્યુમન‘ (Ultrahuman) નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “અમે આ વર્ષે શોમાં તેમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ”. અલ્ટ્રાહ્યુમનના ઉત્પાદનોમાં દુનિયાનું સૌથી હલકું સ્લીપ-ટ્રેકિંગ વિયરેબલ (સ્માર્ટ રિંગ), એક સતત ગ્લુકોઝ મોનિટરિંગ પ્લેટફોર્મ અને એક પ્રિવેન્ટિવ બ્લડ ટેસ્ટિંગ પ્લેટફોર્મ સામેલ છે.
CES 2026 ની મુખ્ય બાબતો
૬ જાન્યુઆરીએ શરૂ થયેલો આ શો ૯ જાન્યુઆરી સુધી ચાલશે. આ વર્ષના આયોજનના કેટલાક મુખ્ય આંકડા આ મુજબ છે:
ભાગીદારી: લગભગ ૧૫૦ દેશોના લોકો આમાં સામેલ થઈ રહ્યા છે.
ગ્લોબલ હાજરી: શોમાં ૪૦% હાજર લોકો અને પ્રદર્શકો અમેરિકાની બહારના છે.
પ્રદર્શકો: ૪,૧૦૦ થી વધુ પ્રદર્શકો AI, ડિજિટલ હેલ્થ, એનર્જી, રોબોટિક્સ અને મોબિલિટી જેવા ક્ષેત્રોમાં પોતાની નવીનતાઓ બતાવી રહ્યા છે.
આ ભારતીય કંપનીઓ રેલાવી રહી છે ચમક
CES ની વેબસાઇટ અનુસાર, અનેક ભારતીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ આ વખતે પોતાની ટેકનોલોજીનો લોહ મનાવી રહ્યા છે:
Noise (ગુરુગ્રામ): અગ્રણી ગ્લોબલ સ્માર્ટવોચ બ્રાન્ડ.
ArvyaX Technologies (ભોપાલ): સ્યુડો-રિયાલિટી ફર્મ.
aabo: AI-આધારિત સ્વાસ્થ્ય ઉકેલોમાં નિષ્ણાત મેડટેક કંપની.
Sona Comstar: ઓટોમોટિવ ટેકનોલોજી કંપની.
Zoondia: ગ્લોબલ ટેકનોલોજી પાર્ટનર.
CMAI Association of India: મોબાઈલ અને ટેલિકોમ સંઘ.
‘મેડ ઇન ઇન્ડિયા’ થી ‘ઇનોવેટેડ ઇન ઇન્ડિયા’ સુધી
Noise ના વાઇસ પ્રેસિડેન્ટ હમિશ પટેલે કહ્યું, “અમે અહીં આવીને અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરીને ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ. હવે અમારી કંપની ઘણી પરિપક્વ થઈ ચૂકી છે. અમારી પોતાની સંશોધન અને વિકાસ (R&D) ટીમ છે અને અમે મોટાભાગનું ડિઝાઇન અને ઉત્પાદન ભારતમાં જ કરીએ છીએ. અમે અહીં એવા ઉત્પાદનો સાથે આવ્યા છીએ જે દુનિયાના શ્રેષ્ઠ ઉત્પાદનોને ટક્કર આપી શકે છે.”
ભોપાલ સ્થિત સ્ટાર્ટઅપ ArvyaX Technologies ના સ્થાપક અને CEO શલભ ભટનાગરે કહ્યું, “આ એક ખૂબ મોટી ક્ષણ છે કારણ કે અમે માત્ર અમારી કંપનીનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા, પરંતુ અમને લાગે છે કે અમે દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. ArvyaX એક એવી નવીનતા છે જે ભારતમાંથી આવી છે. આ માત્ર ‘મેડ ઇન ઇન્ડિયા‘ નથી, પરંતુ ‘ઇનોવેટેડ ઇન ઇન્ડિયા‘ છે.”

