Face ID Vs Fingerprint: જ્યારે ફોનને લોક કરવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો ફેસઆઈડી (FaceID) અથવા ફિંગરપ્રિન્ટ (Fingerprint) નો ઉપયોગ કરે છે. આઈફોનમાં ફેસઆઈડીનો વિકલ્પ મળે છે તો એન્ડ્રોઈડ ફોન સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર પર નિર્ભર હોય છે. એવામાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવી શકે છે કે ફિંગરપ્રિન્ટ અને ફેસઆઈડીમાં કયું વધુ સારું છે અને કઈ રીતે વધુ સુરક્ષા મળે છે? આજે અમે આ જ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.
શું હોય છે ફેસઆઈડી અને કેવી રીતે કામ કરે છે?
જેમ નામ પરથી જ સ્પષ્ટ છે, ફેસઆઈડી ડિવાઈસને અનલોક કરવા માટે યુઝરના ચહેરાને સ્કેન કરે છે. એપલે ૨૦૧૭ માં લોન્ચ થયેલા iPhone X સાથે તેની શરૂઆત કરી હતી અને ત્યારપછીના દરેક મોડલમાં આ ફીચર મળે છે. આ ટેકનોલોજી અલગ-અલગ સેન્સર અને લાઈટ પ્રોજેક્ટરનો ઉપયોગ કરી ચહેરાની 3D ઈમેજ તૈયાર કરી લે છે. કંપની તેને TrueDepth કહે છે. આ ટેકનોલોજી ઇન્ફ્રારેડ સેન્સરની મદદથી ચહેરાને ઓળખી લે છે.
ફિંગરપ્રિન્ટ સેન્સર કેવી રીતે કામ કરે છે?
એન્ડ્રોઈડ ડિવાઈસીસ પર મળતું સેન્સર યુઝરના ફિંગરપ્રિન્ટની ઓળખ કરી ડિવાઈસને અનલોક કરે છે. સૌથી પહેલા મોટોરોલાએ ૨૦૧૧ માં પોતાના Atrix મોબાઈલ સાથે તેની શરૂઆત કરી હતી. બાદમાં એપલે પણ પોતાના કેટલાક આઈફોનમાં ટચઆઈડી (TouchID) ઓપ્શન સાથે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. હવે મિડ-રેન્જવાળા સ્માર્ટફોન ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરી 2D સ્કેન કરે છે, જ્યારે ફ્લેગશિપ ડિવાઈસીસમાં અલ્ટ્રાસોનિક સ્કેનર લાગેલું હોય છે, જે તમારા ફિંગરપ્રિન્ટની 3D ઈમેજ તૈયાર કરી લે છે.
બંનેમાં સૌથી વધુ સુરક્ષિત રીત કઈ છે?
ફેસઆઈડી અને ફિંગરપ્રિન્ટ બંને તમારા સ્માર્ટફોનને પ્રોટેક્ટ કરી શકે છે. જોકે, ફિંગરપ્રિન્ટ એટલા માટે આગળ છે કારણ કે મોટાભાગના ડિવાઈસીસમાં તેનો જ ઉપયોગ થઈ રહ્યો છે અને હવે ફોલ્ડેબલ ફોનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફેસઆઈડી સાથે એક ગેરફાયદો એ છે કે તે સંપૂર્ણપણે યુનિક હોતી નથી. જોડિયા અથવા એકસરખા દેખાતા લોકોના કિસ્સામાં આ ટેકનોલોજી થાપ ખાઈ શકે છે. એપલનું પણ માનવું છે કે જોડિયા બાળકો, ભાઈ-બહેનો અને ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના કિસ્સામાં ફેસઆઈડી ફોલ્સ મેચ (ખોટી ઓળખ) કરી શકે છે. એવામાં તમે ફેસઆઈડીના મુકાબલે ફિંગરપ્રિન્ટ પર વધુ ભરોસો કરી શકો છો.

