Indian Air Defence System S-400: ભારતની S-400ની એર ડિફેન્સ સિસ્ટમને લઈને હાલમાં ખૂબ જ વાહ-વાહી થઈ રહી છે. રશિયાની અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા આ એર ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. દુનિયાભરમાં S-400ને સૌથી એડ્વાન્સ સરફેસ-ટૂ-એર મિસાઇલ તરીકે ગણવામાં આવે છે. આ સિસ્ટમ મેળવવા માટે ભારતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારત આ ડિફેન્સ સિસ્ટમને ખરીદી રહ્યું હોવાથી દુનિયાના ઘણાં દેશોએ એનો વિરોધ કર્યો હતો.
S-400 કેમ એડ્વાન્સ ટેક્નોલોજીથી ભરપૂર છે?
S-400 ડિફેન્સ સિસ્ટમમાં મલ્ટી-લેયર એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમની મદદથી હવામાંના કોઈ પણ ખતરાને દૂર કરી શકાય છે. એમાં ફાઇટર જેટ, મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ કે પછી ડ્રોન કેમ ન હોય. આ ડિફેન્સ સિસ્ટમ દરેકને પહોંચી વળે છે.
- આ સિસ્ટમમાં ચાર જાતની મિસાઇલનો સમાવેશ કરવામાં આવે છે. આ સિસ્ટમ દ્વારા લોન્ગ રેન્જની મિસાઇલ 400 કિમીની રેન્જ ધરાવે છે. મિડિયમ રેન્જની મિસાઇલ હોય તો 250 કિલોમીટરની રેન્જ અને શોર્ટ રેન્જ હોય તો 120 કિલોમીટરની રેન્જ ધરાવે છે. આ ત્રણ મિસાઇલ સાથે ક્લોઝ રેન્જની મિસાઇલ પણ આવે છે. આ મિસાઇલ 40 કિલોમીટરની અંદરના ટાર્ગેટને દૂર કરવા માટે સક્ષમ છે.
- આ સિસ્ટમમાં એડવાન્સ રડાર સિસ્ટમ છે. 92N6E ગ્રેવસ્ટોન ટ્રેકિંગ રડાર અને 96L6 ચીઝબોર્ડ એક્વિઝિશન રડારની મદદથી 360 ડિગ્રીનું પ્રોટેક્શન મળે છે. આ સિસ્ટમ 600 કિલોમીટર દૂરથી ટાર્ગેટને શોધી કાઢે છે.
- આ સિસ્ટમ એક સમયે 300 ટાર્ગેટને શોધી કાઢે છે અને 36 ટાર્ગેટનો એક સાથે ખાતમો કરી શકે છે.
- આ સિસ્ટમને દરેક સંજોગોમાં કામ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક સિગ્નલ માટે જેમર લગાવવામાં આવ્યા હોય તો પણ આ સિસ્ટમ એ તોડીને કામ કરી શકે છે.
- આ સિસ્ટમને ટ્રક પર લગાવવામાં આવી છે અને એ રોડ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ઓફ-રોડ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.
- આ સિસ્ટમ જ્યારે ચાલી રહી હોય ત્યારે એને અટેક માટે તૈયાર કરવા માટે ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે. સ્ટેન્ડબાય મોડ પર હોય ત્યારે એ ફક્ત 35 સેકન્ડ્સમાં અટેક કરી શકે છે.
S-400નો ઇતિહાસ
રશિયા દ્વારા S-400ને 1980ના દાયકામાં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો પહેલી વાર ટેસ્ટ 1999માં કરવામાં આવ્યો હતો. રશિયા દ્વારા પહેલી વાર એને 2001માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ એમાં જે સુધારા જરૂરી લાગે એ કરવામાં આવ્યાં અને 2007માં એનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી રશિયા આર્મ ફોર્સ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. રશિયાની સાથે અન્ય દેશો પાસે પણ આ સિસ્ટમ છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ભારત પાસે કેટલા S-400 છે?
ભારતે 2018ની ઓક્ટોબરમાં રશિયા સાથે S-400ની ડીલ 5.4 બિલિયન અમેરિકન ડોલરમાં કરી હતી. આ કિંમતમાં રશિયા દ્વારા પાંચ S-400 આપવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને ચીન તરફથી સતત ખતરો રહેતા, ભારતે તેની એર ડિફેન્સ વધુ મજબૂત કરવા માટે આ ડીલ કરી હતી. ભારતને ઘણી મુશ્કેલીઓ પડી હતી, છતાં ભારત આ સિસ્ટમ ખરીદવા માટે ટસનું મસ નહોતું થયું. આ સિસ્ટમની પહેલી ડિલિવરી 2021ના મધ્ય બાદ કરવામાં આવી હતી. 2025ના અંત સુધીમાં આ તમામ ડિલિવરી મળી જવાની છે. ભારત પાસે હાલમાં ચાર S-400 છે અને પાંચમું બહુ જલદી આપવામાં આવશે એવી આશા છે.
ભારત S-400 ખરીદે, એમાં અમેરિકાએ ઉઠાવ્યો હતો વાંધો
ભારત S-400 ખરીદે, એ વિશે ઘણાં દેશોએ વાંધા ઉઠાવ્યા હતા, અને એમાં અમેરિકા સૌથી વધુ વાંધો ઉઠાવી રહ્યું હતું. Countering America’s Adversaries Through Sanctions Act હેઠળ, અમેરિકાએ ભારત પર ખૂબ જ દબાણ કર્યું હતું. અમેરિકા નહોતું ઇચ્છતું કે ભારત રશિયન મિલિટરી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરે. એ સમયે, અમેરિકાએ ભારતને Patriot અને THAAD સિસ્ટમ આપવા માટે કહ્યું હતું.
અમેરિકાએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકાની ડિફેન્સ સિસ્ટમ રશિયાના હાર્ડવેરથી કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. જો કે, ભારતે અમેરિકાના દબાવમાં નહોતું આવ્યું. એ સમયે, ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે, દુનિયાનો કોઈ પણ કાયદો તેને પોતાની ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત કરવામાં અટકાવી નહીં શકે. જો કે, એ સમયે, ડિપ્લોમેટિક સંબંધોની મદદથી કોઈ પ્રતિબંધ લગાવવામાં નહોતા આવ્યા. Indo-Pacificમાં સ્થિરતા લાવવા માટે આ સિસ્ટમ ભારતને ખૂબ જ જરૂરી હતી, જે અમેરિકાએ પણ સમજ્યું હતું.
S-400ની શક્તિ
ભારત દ્વારા S-400ની મદદથી 50થી વધુ American drones અને પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઇટર જેટ તોડી પાડવામાં મદદ મળી છે. ભારત S-400 અને આકાશ મિસાઇલની મદદથી પાકિસ્તાનના દરેક હવાઈ હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે.