આગ લાગે ત્યારે ફોન હોલ્ડર આપશે શ્વાસ લેવામાં મદદ, કિમ જી-ઓનના અનોખા ગૅજેટે રાષ્ટ્રીય સ્તરે જીત્યો પ્રથમ પુરસ્કાર
Phone Grip Safety Mask: શું તમે પણ તમારા સ્માર્ટફોનની પાછળ ગ્રિપ અથવા ફોન હોલ્ડરનો ઉપયોગ કરો છો? કલ્પના કરો કે આગ લાગે ત્યારે આ ફોન હોલ્ડર તમારો જીવ બચાવી શકે. દક્ષિણ કોરિયાની પાંચમા ધોરણની વિદ્યાર્થિની કિમ જી-ઓને એક એવો ફોન ગ્રિપ અથવા હોલ્ડર બનાવ્યો છે, જે સામાન્ય રીતે ફોનને વધુ સારી રીતે પકડવામાં મદદ કરે છે અને આગ લાગે ત્યારે માસ્ક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ અદ્ભુત ગૅજેટે રાષ્ટ્રીય સ્તરે સૌથી મોટો પુરસ્કાર પણ પોતાના નામે કર્યો છે.
અનોખો વિચાર કેવી રીતે આવ્યો?
ફોન ગ્રિપને માસ્ક બનાવવાનો વિચાર કિમ જી-ઓનને એક હોટેલમાં લાગેલી ભીષણ આગના સમાચાર જોયા બાદ આવ્યો હતો. 2024માં બુચિયોનની એક હોટેલમાં લાગેલી ભયાનક આગે પાંચમા ધોરણની આ વિદ્યાર્થિનીને અંદરથી હચમચાવી દીધી હતી.
ત્યારબાદ શાળાની મુલાકાતના ભાગરૂપે જ્યારે કિમ ફાયર સ્ટેશન ગઈ, ત્યારે તેમને સમજાયું કે આગ લાગે ત્યારે આગ કરતાં ધુમાડાથી વધુ જોખમ હોય છે. ત્યારબાદ તેમણે પોતાના શિક્ષકો સાથે વાત કરી અને વિચાર્યું કે જો ફોન સાથે કટોકટીની સ્થિતિમાં ઉપયોગી માસ્કને જોડી દેવામાં આવે, તો લોકોના જીવ બચાવી શકાય છે.
ખાસ ફોન ગ્રિપ કેવી રીતે કામ કરે છે?
- આ ફોન ગ્રિપનું નામ ઇનિશિયલ ફાયર ઇવૅક્યુએશન બ્રિધિંગ ગ્રિપટૉક છે. આ ફોન ગ્રિપ ફોનને વધુ સારી રીતે પકડવામાં મદદ કરે છે અને જરૂર પડ્યે તેને ખોલીને નાક અને મોં ઢાંકતા માસ્કનું સ્વરૂપ આપી શકાય છે.
- તેમાં ઍક્ટિવેટેડ કાર્બન અને નૉન-વોવન ફિલ્ટરના સ્તરો આપવામાં આવ્યા છે, જે હાનિકારક ગૅસ અને ધુમાડાના કણોને રોકવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં જ્વાળા-પ્રતિરોધક ફૅબ્રિકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
- આ ઉપકરણ આગમાં લાંબા સમય સુધી રહેવા માટે નહીં, પરંતુ ઓરડામાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાના શરૂઆતના એકથી બે મિનિટ દરમિયાન શ્વાસ લેવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
માસ્કે જીત્યો પુરસ્કાર
અહેવાલો અનુસાર, આ માસ્કે દક્ષિણ કોરિયાના 39મા સ્ટુડન્ટ ઇન્વેન્શન એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો, જેમાં લગભગ 7,000 આવેદનો સામેલ હતાં. નવ તબક્કા બાદ કિમની આ શોધે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પુરસ્કાર તરીકે કિમને 30 લાખ વૉનની રકમ મળી હતી, જે તેઓ દાન કરવાની છે.

