World Fastest Battery Powered Drone બનાવી દક્ષિણ આફ્રિકાના પિતા-પુત્રની જોડીએ ટેકનોલોજીની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. ઘરમાં તૈયાર કરાયેલા આ ડ્રોનએ 657 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે, જેમાં 3D Printing Technology મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
Peregreen V4 નામના ડ્રોનથી રચાયો ઇતિહાસ
લ્યુક બેલ અને માઈક બેલ દ્વારા બનાવાયેલ આ ડ્રોનનું નામ Peregreen V4 છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના એક એન્જિનિયરે બનાવેલો ડ્રોન 626 Kmphની ઝડપ સાથે રેકોર્ડધારક હતો, પરંતુ થોડા મહિનામાં જ આ રેકોર્ડ તૂટ્યો. Peregreen V4 એ તેની કરતા પણ વધારે ઝડપ હાંસલ કરી દુનિયામાં નવી મર્યાદા સ્થાપી છે.
3D Printing Technology બની સફળતાની ચાવી
આ ડ્રોન બનાવવા માટે પિતા-પુત્રે લગભગ પાંચ મહિના સુધી સતત મહેનત કરી. તેમણે ડ્રોનના દરેક ભાગને ફરીથી ડિઝાઇન કર્યો અને ડિજિટલ મોડલ બનાવી વિસ્તૃત પરીક્ષણ કર્યા. ડ્રોનના મુખ્ય ભાગો જેમ કે કેમેરા માઉન્ટ અને લેન્ડિંગ ગિયર 3D પ્રિન્ટરની મદદથી એક જ વખત પ્રિન્ટ કરવામાં આવ્યા, જેના કારણે વજન ઘટ્યું અને એરોડાયનામિક ક્ષમતા વધી.
ત્રીજી વખત તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ
મીડિયા રિપોર્ટ અનુસાર, લ્યુક બેલ અને માઈક બેલે ત્રીજી વખત વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વર્ષ 2024માં તેમણે 480 Kmphની ઝડપ ધરાવતો ડ્રોન બનાવ્યો હતો. ત્યારબાદ 580 Kmph અને હવે 657 Kmphની ઝડપ સુધી પહોંચીને તેઓ સતત પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે.ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની સત્તાવાર પુષ્ટિ
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા આ સિદ્ધિને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ એક બેટરી સંચાલિત રિમોટ કંટ્રોલ ડ્રોન છે, જેણે સૌથી વધુ ગ્રાઉન્ડ સ્પીડ મેળવી છે. હવાના પ્રભાવને ચકાસવા માટે ડ્રોનને બે દિશામાં ઉડાવવામાં આવ્યો હતો, જેમાં વિરોધી દિશામાં પણ 599 Kmphની ઝડપ નોંધાઈ.
ટેકનોલોજી અને સર્જનાત્મકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
આ સફળતા દર્શાવે છે કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કેટલો અસરકારક બની શકે છે. ઘરેથી 3D પ્રિન્ટિંગ અને અદ્યતન એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને લ્યુક બેલ અને માઈક બેલે સાબિત કર્યું કે નવીનતા અને મહેનતથી વૈશ્વિક સ્તરે નામ કમાવી શકાય.

