X Grok AI Regulation: ભારત સરકારની કડકાઈ સામે X એ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. એલન મસ્કની કંપની X એ પોતે માન્યું છે કે તેમના AI ટૂલ Grok ની મદદથી વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટ બનાવવામાં આવ્યું અને ફેલાવવામાં આવ્યું. કંપનીએ ભારતીય કાયદાનું પાલન કરવાની વાત કરી છે. એટલું જ નહીં, સરકારના દબાણ બાદ કંપનીએ હજારો પોસ્ટ બ્લોક કરી છે અને સેંકડોની સંખ્યામાં એકાઉન્ટ્સ પણ ડિલીટ કર્યા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા Grok દ્વારા લોકો X પર મહિલાઓ અને સગીરોની અશ્લીલ તસવીરો બનાવી રહ્યા હતા અને પોસ્ટ કરી રહ્યા હતા, જેના પછી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અલ્ટીમેટમ આપી દીધું હતું.
X ની ભૂલ અને સરકારની કડકાઈ
અહેવાલો મુજબ, X એ તેના AI ટૂલના દુરુપયોગ બદલ ભૂલ સ્વીકારી છે અને ભવિષ્યમાં ભારતીય કાયદાનું પાલન કરવાની ખાતરી આપી છે. જાણકારી મુજબ આશરે ૩,૫૦૦ અશ્લીલ અને અભદ્ર પોસ્ટની સાથે ૬૦૦ થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કરવામાં આવ્યા છે. અગાઉ આઈટી મંત્રાલય (MeitY) દ્વારા X ને કડક શબ્દોમાં પત્ર લખીને કહેવામાં આવ્યું હતું કે તેમના પ્લેટફોર્મ પર AI થી બનેલા કન્ટેન્ટનું યોગ્ય રીતે મોડરેશન કરવામાં આવતું નથી. સરકારે X ને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેના પગલે હવે આ પગલાં લેવાયા છે.
દુનિયાભરમાં મચ્યો છે હોબાળો
Grok ના કારણે X ને લઈને માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં હોબાળો મચ્યો છે. યુકે અને ઇન્ડોનેશિયા જેવા દેશો પહેલાથી જ X ને બ્લોક કરવાની વાત કરી ચૂક્યા છે. આ જ કારણ છે કે હવે એલન મસ્કની કંપની X નરમ પડતી દેખાઈ રહી છે.
Grok ની સમસ્યા શું છે?
Grok જે કંપનીનું AI છે તેના માલિક એલન મસ્ક અભિવ્યક્તિની સ્વતંત્રતાના મોટા હિમાયતી છે. આ જ કારણ છે કે જ્યાં અન્ય AI મોડલ અશ્લીલ કન્ટેન્ટ જનરેટ કરવા બાબતે કડક ગાઈડલાઈન ફોલો કરે છે, ત્યાં Grok આ બાબતમાં લવચીક વલણ અપનાવે છે. જોકે હવે તેનો દંડ કંપનીએ ભોગવવો પડી રહ્યો છે કારણ કે યુઝર્સે મહિલાઓ અને સગીરોના કપડાં Grok ની મદદથી ડિજિટલી ઉતારવાનું શરૂ કર્યું હતું. આ પછી જ વિશ્વભરની સરકારો X અને તેના AI Grok સામે કડક થઈ છે.

