ભુજ, તા. 3 : અબડાસા તાલુકાના સણોસરા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઝવેરબેન લાલજીભાઈ પટેલ (ઉ.વ. 65)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું, જ્યારે સગર્ભા મહિલા સહિત અન્ય ત્રણ જણ ઘાયલ થયા હતા. આ બનાવની કરુણતા એ છે કે, કારની એરબેગ ખૂલીને સગર્ભા મહિલાના પેટમાં વાગતાં ભ્રૂણ પણ નષ્ટ થયું હોવાનું જાણવા મળ્યું હતું. દુર્ઘટનાની ગંભીરતા એ છે કે, ટ્રેક્ટરના ત્રણ ટૂકડા થયા હતા.

પોલીસે આપેલી માહિતી મુજબ, સણોસરા ફાટક નજીક થયેલા અકસ્માતમાં કારમાં સવાર કનકપરના સંજનાબેન પટેલ, હિરેનભાઈ હસમુખભાઈ પટેલ, ઝવેરબેન લાલજીભાઈ પટેલ તથા અબ્દુલ કુંભારને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઝવેરબેનનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું, જ્યારે અન્યોની હાલત પણ બીજી બાજુ અમારા અબડાસા બ્યૂરોના હેવાલ મુજબ, સગર્ભાની નિયમિત તપાસ માટે ભુજ ગયેલો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડયો હતો, જેમાં કારની એરબેગ ખૂલતાં સગર્ભાના પેટમાં વાગી હતી, જેના કારણે ભ્રૂણ પણ નષ્ટ થયું હતું. બનાવ બાદ લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. કાર અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાયા હતા. આ ટક્કર એ હદે જોરદાર હતી કે, ટ્રેક્ટરના ત્રણ ટૂકડા થઈ ગયા હતા. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી આગળની તપાસ હાથ ધરી હતી.

