Montra Electric 1000 Heavy Duty Trucks Milestone: ભારતની સંપૂર્ણ શ્રેણીના ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ બ્રાન્ડ મોન્ટ્રા ઇલેક્ટ્રિકે હરિયાણાના માનેસર સ્થિત પ્લાન્ટમાંથી પોતાનો 1000મો રાઇનો ઇલેક્ટ્રિક હેવી-ડ્યુટી ટ્રક રસ્તા પર ઉતારીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ સાથે મોન્ટ્રા ઇલેક્ટ્રિક હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રક સેગમેન્ટમાં આ માઇલસ્ટોન હાંસલ કરનારી દેશની પ્રથમ અને સૌથી ઝડપી ભારતીય બ્રાન્ડ બની છે. અત્યાર સુધી રસ્તા પર ઉતરેલા મોન્ટ્રાના આ 1000 રાઇનો ટ્રકોએ મળીને 3.6 કરોડ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે અને 65 લાખ કિલોગ્રામથી વધુ કાર્બન ઉત્સર્જન અટકાવ્યું છે. આ ઉપરાંત ફલીટ ઓપરેટર્સના સંચાલન ખર્ચમાં ₹70 કરોડથી વધુની બચત કરાવી છે.
3.6 કરોડ કિમીની મુસાફરી અને લોકોને ₹70 કરોડની બચત
- મોન્ટ્રા ઇલેક્ટ્રિકની આ સફળતા એ વાતનો પુરાવો છે કે ભારતીય પરિવહન ક્ષેત્રમાં હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રક હવે વ્યાવસાયિક રીતે સંપૂર્ણપણે વ્યવહારુ બની ગયા છે. કંપનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ઉપયોગમાં મુકાયેલા તમામ રાઇનો ટ્રકોએ મળીને 36 મિલિયન કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે.
- આ દરમિયાન તેમણે 6.5 મિલિયન કિલોગ્રામથી વધુ CO₂ ઉત્સર્જન ઘટાડ્યું છે. આ પ્રમાણ લગભગ 14 લાખ વૃક્ષો દ્વારા એક વર્ષમાં શોષવામાં આવતા કાર્બન જેટલું છે. આ ઉપરાંત ડીઝલની સરખામણીમાં ઓછા સંચાલન ખર્ચને કારણે ફલીટ ઓપરેટર્સને ₹70 કરોડથી વધુની સીધી બચત થઈ છે.
PM E-DRIVE સર્ટિફિકેટ મેળવનાર દેશનો પ્રથમ હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રક
- મોન્ટ્રા ઇલેક્ટ્રિકની આ ઝડપી સફળતામાં સરકારી નીતિઓનું પણ મોટું યોગદાન રહ્યું છે. જાન્યુઆરી 2026માં મોન્ટ્રા ઇલેક્ટ્રિક Rhino 5538 EV કેન્દ્ર સરકારની PM E-DRIVE યોજના હેઠળ સર્ટિફિકેશન મેળવનારો ભારતનો પ્રથમ હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રક બન્યો હતો.
- આ યોજના હેઠળ ખરીદદારોને પ્રતિ વાહન ₹9.6 લાખ સુધીનું પ્રોત્સાહન મળે છે. તેનાથી પ્રારંભિક ખર્ચ ઘટ્યો છે અને ફલીટ માલિકોનો ઝુકાવ ઇલેક્ટ્રિક ટ્રક તરફ ઝડપથી વધ્યો છે.
શૂન્યથી શિખર સુધીની સફર
જ્યારે મોન્ટ્રા ઇલેક્ટ્રિકે આ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક હેવી ટ્રકનું કોઈ સ્થાપિત બજાર નહોતું અને ચાર્જિંગ પોઇન્ટ્સ પણ ખૂબ મર્યાદિત હતાં.
આ સિદ્ધિ અંગે મોન્ટ્રા ઇલેક્ટ્રિકના MD જલજ ગુપ્તાએ જણાવ્યું કે, જ્યારે અમે શરૂઆત કરી હતી, ત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક હેવી ટ્રકનું કોઈ બજાર નહોતું. અમારે દરેક લોડ સાથે એ સાબિત કરવું પડ્યું કે આ ટ્રકો ભારે કામ કરી શકે છે અને પોતાનો ખર્ચ પણ વસૂલ કરી શકે છે. PM E-DRIVE જેવી નીતિગત સહાય અને પોતાનો કાફલો વિસ્તારવા માટે વારંવાર પાછા આવી રહેલા ગ્રાહકોના વિશ્વાસ સાથે ભારતમાં ઇલેક્ટ્રિક હેવી ટ્રકિંગ એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. અમારા પ્રથમ 1000 રાઇનો ટ્રક જેટલા અમારા છે, એટલા જ અમારા ગ્રાહકો અને ભાગીદારોના પણ છે.

