Zardari On Akhand Bharat: પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ભારતના હિન્દુઓ કરતાં વધુ ખુશ છે: આસિફ અલી ઝરદારીનો દાવો

Arati Parmar
3 Min Read

Zardari On Akhand Bharat: ઝરદારીએ પાકિસ્તાનના હિન્દુઓને લઈને કર્યો મોટો દાવો, માનવાધિકાર સ્થિતિ પર ઉઠ્યા સવાલ

Zardari On Akhand Bharat: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ભારતમાં રહેતા હિન્દુઓ કરતાં વધુ ખુશ છે, કારણ કે પાકિસ્તાનના મુસ્લિમો ‘સહિષ્ણુ’ છે. ઝરદારીએ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ‘ભારતીય અખંડ ભારતના વિશ્વાસમાં માને છે. પરંતુ અમે મુસ્લિમ છીએ, તેઓ નથી. તેમ છતાં અમે એવી વિચારસરણી ધરાવતા મુસ્લિમ છીએ જે અન્ય લોકોને સહન કરે છે. પાકિસ્તાનમાં 4% હિન્દુ વસ્તી છે. તેઓ પણ એટલા જ સ્વતંત્ર છે જેટલા અન્ય ક્યાંય છે. તેઓ ભારતની જગ્યાએ અમારી સાથે રહેવાનું પસંદ કરશે.’

એટલે કે ઝરદારીએ દાવો કર્યો કે ભારત ‘અખંડ ભારત’માં વિશ્વાસ રાખતું હોય, પરંતુ પાકિસ્તાનની મુસ્લિમ માનસિકતા અન્ય લોકોને સહન કરવાની અને સ્વીકારવાની છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં રહેતી 4% હિન્દુ વસ્તી સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તેઓ ભારતની સરખામણીએ પાકિસ્તાનમાં રહેવાનું વધુ પસંદ કરશે. ઝરદારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સરહદ પાર લઘુમતીઓની સ્થિતિ અને માનવાધિકારોને લઈને આંતરરાષ્ટ્રીય મંચો પર સતત સવાલો ઉઠતા રહ્યા છે. પાકિસ્તાનમાં સતત હિન્દુ મહિલાઓનું અપહરણ થાય છે અને બળજબરીથી તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે.

- Advertisement -

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓ સુરક્ષિત છે?

આસિફ અલી ઝરદારી પાકિસ્તાનમાં હિન્દુઓની ખરાબ સ્થિતિ પર પડદો નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે દેશમાં એક સંપૂર્ણ માળખું ઊભું છે જે બળજબરીથી હિન્દુ સગીર છોકરીઓનું ધર્મપરિવર્તન કરાવે છે. આ માળખામાં મસ્જિદોના મૌલાના, સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કોર્ટ સુધી સામેલ હોય છે. સગીર છોકરીઓ કોર્ટમાં પોતાના પરિવાર પાસે જવાની વિનંતી કરતી રહે છે, પરંતુ કોર્ટના આદેશ પર તેમને અપહરણકર્તાઓને સોંપી દેવામાં આવે છે. પાકિસ્તાનમાં દર વર્ષે સેંકડો હિન્દુ છોકરીઓનું અપહરણ કરી લેવામાં આવે છે.

- Advertisement -

UN એક્સપર્ટ્સના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મપરિવર્તનનો ભોગ બનતી છોકરીઓમાં લગભગ 75% હિન્દુ સમુદાયની હોય છે, જેમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવીને મોટી ઉંમરના મુસ્લિમ પુરુષો સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે. સ્થાનિક અદાલતો અને પોલીસ ઘણીવાર આ મામલાઓમાં સુરક્ષા આપવાને બદલે આરોપીઓનો સાથ આપે છે અથવા કાનૂની રક્ષણ પૂરું પાડે છે. 2023ની પાકિસ્તાની વસ્તી ગણતરીના આંકડા અનુસાર પાકિસ્તાનમાં હિન્દુ વસ્તી કુલ વસ્તીના લગભગ 1.61%થી 2.17%, એટલે કે આશરે 39 લાખથી 52 લાખ છે. જ્યારે ઝરદારીએ દાવો કર્યો છે કે દેશમાં 4% હિન્દુ છે.

Share This Article