Aadhaar Udai Mascot UIDAI: આધાર (Aadhaar) થી જોડાયેલી કોઈપણ સેવાને સમજવામાં તમને જરા પણ તકલીફ થઈ રહી હોય, કોઈ પ્રકારનું મૂંઝવણ હોય અથવા આધાર અપડેટ કરવા જેવા સર્વિસ ચાર્જ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આ ચિંતા દૂર કરશે UIDAI નું નવું શુભંકર (મસ્કોટ), જેનું નામ છે- ઉદય (Udai). સામાન્ય લોકોની મદદ માટે તેને તૈયાર કરવામાં આવ્યું છે. તે ચેટબોટની જેમ તમારી મદદ કરશે. તમે તેને આધારને લગતો કોઈ પણ સવાલ પૂછશો, તે તમને જવાબ આપશે અને તમારી જાણકારી વધારવાની સાથે તમારી બધી મૂંઝવણ દૂર કરશે.
ક્યાંથી આવ્યું UIDAI નું નવું મસ્કોટ ઉદય?
ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ ‘ઉદય’ નામનું એક શુભંકર રજૂ કર્યું છે જેનાથી લોકોને આધાર સેવાઓને સરળતાથી સમજવામાં મદદ મળશે. આ શુભંકર (મસ્કોટ) ની પસંદગી MyGov પ્લેટફોર્મ પર આયોજિત એક રાષ્ટ્રીય ડિઝાઇન અને નામકરણ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. મસ્કોટની ડિઝાઇન અને નામ માટે સામાન્ય લોકો પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા હતા. UIDAI ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે એક ઓપન નેશનલ કોમ્પિટિશન દ્વારા લોકોને આ શુભંકર તૈયાર કરવા અને નામ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
વિજેતાઓની પસંદગી અને મૂલ્યાંકન
દેશભરમાંથી આવેલી એન્ટ્રીઓનું અવલોકન અને મૂલ્યાંકન કરતી વખતે કેરળના ત્રિશૂરના અરુણ ગોકુલ દ્વારા ડિઝાઇન કરાયેલ મસ્કોટ અને ભોપાલની રિયા જૈન દ્વારા આપવામાં આવેલું નામ પસંદ કરવામાં આવ્યું હતું. UIDAI એ જણાવ્યું હતું કે આધારનું શુભંકર રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી જનતા આધાર સેવાઓ વિશે સરળતાથી સમજી શકશે અને આ સામાન્ય લોકો માટે એક નવો સંચાર સહયોગી બનશે. ‘ઉદય’ નામનું આ આધાર શુભંકર આધાર સંબંધિત માહિતીને વધુ સહજ બનાવશે અને સાથે જ તેને લોકો માટે અનુકૂળ બનાવવામાં મદદરૂપ થશે.
Meet the new face of Aadhaar ‘Udai’— your friendly companion to digital identity!
#Aadhaar #UIDAI #AadhaarMascot #MascotLaunch #MeraAadhaarMeriPehchaan #DigitalIdentity #DigitalIndia pic.twitter.com/crILR5gB6J
— Aadhaar (@UIDAI) January 8, 2026
યુવાનોનો વધારવામાં આવ્યો ઉત્સાહ
તિરુવનંતપુરમમાં આયોજિત સમારોહમાં UIDAI ના ચેરમેન નીલકંઠ મિશ્રાએ આ શુભંકર રજૂ કર્યું અને વિજેતાઓને સન્માનિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ મસ્કોટ રજૂ કરવો એ દેશના ૧૦૦ કરોડથી વધુ લોકો માટે આધાર સંચારને સરળ, વધુ સમાવેશી અને વધુ સુસંગત બનાવવા માટે UIDAI ના સતત પ્રયાસોમાં વધુ એક ડગલું છે. કેરળના અરુણ ગોકુલે ડિઝાઇન સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. મહારાષ્ટ્રના ઇદ્રીસ દવાઈવાલા અને ઉત્તર પ્રદેશના કૃષ્ણા શર્મા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.
નામકરણ સ્પર્ધામાં ભોપાલની રિયા પ્રથમ
બીજી તરફ નામકરણ સ્પર્ધામાં ભોપાલની રિયા જૈને પ્રથમ પુરસ્કાર જીત્યો હતો, જ્યારે પુણેના ઇદ્રીસ દવાઈવાલા અને હૈદરાબાદના મહારાજ સરન ચેલ્લાપિલ્લા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. આ સ્પર્ધા દ્વારા ઘણા યુવાનોનું મનોબળ વધારવામાં આવ્યું હતું. હવે ઉદય નામનું આ મસ્કોટ યુઆઈડીએઆઈ (UIDAI) ની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય રહેશે, જેથી તે દરેક ભારતીયના આધાર કાર્ડ સાથે જોડાયેલા પ્રશ્નોનો ત્વરિત અને સાચો જવાબ આપી શકે.

