EPF Interest Rules: પ્રાઈવેટ જોબ કરનારાઓ માટે EPF એક એવી બચત હોય છે, જે તેમના ઘડપણનો સહારો બને છે, પરંતુ લોકોને લાગે છે કે જોબ છૂટ્યા પછી ઈપીએફ ખાતામાં જમા થયેલા તમામ પૈસા ઉપાડી લેવા જોઈએ, કારણ કે તેમાં કોઈ વ્યાજ મળતું નથી અને પછીથી પૈસા ઉપાડવા મુશ્કેલ બની શકે છે. મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જોબ છોડ્યા કે છૂટ્યાના કેટલા દિવસ પછી સુધી EPF ખાતા પર વ્યાજ મળે છે? આ બાબતે મોટાભાગના લોકોમાં મૂંઝવણ છે અને જાણકારીનો પણ અભાવ હોય છે. ચાલો તમને જણાવીએ જોબ છોડ્યા કે છૂટ્યા પછી કેટલા સમય સુધી વ્યાજ મળે છે અને આ અંગે EPFO નો નિયમ શું કહે છે?
હકીકતમાં, EPFO એ પોતે જ આ ભ્રમ દૂર કર્યો છે. નોકરી છોડ્યા પછી PF ખાતા પર માત્ર ત્રણ વર્ષ સુધી જ વ્યાજ મળવાની વાત સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે. EPFO ના વર્તમાન નિયમો મુજબ, જો કોઈ કર્મચારીએ નોકરી છોડી દીધી છે અને પોતાનું PF ઉપાડ્યું નથી, તો તેના પૈસા ખાતામાં સુરક્ષિત રહે છે અને તેના પર ૫૮ વર્ષની ઉંમર સુધી સતત વ્યાજ મળતું રહે છે, ભલે ખાતામાં નવું યોગદાન થતું હોય કે ન હોય.
૫૮ વર્ષ સુધી મળે છે વ્યાજ
સરળ શબ્દોમાં કહીએ તો, તમે કોઈ નોકરી છોડી દો છો અને તમારા પીએફ ફંડને ઉપાડતા નથી, તો તમારું ખાતું બંધ થતું નથી. નવા નિયમો મુજબ, આવા “નિષ્ક્રિય” ખાતાઓ એટલે કે જ્યાં યોગદાન બંધ થઈ ગયું છે તેના પર પણ ૫૮ વર્ષની વય સુધી વ્યાજ મળતું રહે છે.
૩ વર્ષ વાળો ભ્રમ
પહેલા નિયમ હતો કે ૩૬ મહિના એટલે કે ૩ વર્ષ સુધી યોગદાન ન મળવા પર ખાતું ‘ઇનઓપરેટિવ’ (Inoperative) થઈ જતું હતું અને વ્યાજ મળતું બંધ થઈ જતું હતું. જોકે, ૨૦૧૬ ના સુધારા પછી, હવે ઇનઓપરેટિવ ખાતાઓ પર પણ ત્યાં સુધી વ્યાજ મળે છે જ્યાં સુધી સભ્ય ૫૮ વર્ષનો ન થઈ જાય.
રિટાયરમેન્ટ પછીનો નિયમ
જો તમે ૫૮ વર્ષે નિવૃત્ત (રિટાયર) થઈ જાઓ છો અને ત્યારબાદ પણ પૈસા ઉપાડતા નથી, તો રિટાયરમેન્ટના ૩ વર્ષ પછી તમારું ખાતું સંપૂર્ણપણે ઇનઓપરેટિવ માનવામાં આવશે અને તેના પર વ્યાજ મળવાનું બંધ થઈ જશે.

