Gas Cylinder Expiry: એક સમય હતો જ્યારે લોકોના ઘરોમાં રસોઈ ચૂલા પર બનાવવામાં આવતી હતી. પરંતુ હવે લગભગ તમામ ઘરોમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. સવારની ચાથી લઈને રાતના જમવા સુધી આપણું રસોડું આના પર જ ચાલે છે. રોજ દેશના કરોડો ઘરોમાં દરરોજ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ ગેસ સિલિન્ડર વાપરતી વખતે કેટલીક બાબતોની જાણ હોવી જરૂરી છે. જેમ કે સિલિન્ડરની એક્સપાયરી ડેટ જે ઘણા લોકો નજરઅંદાજ કરી દે છે અથવા તો તેમને આ વિશે જાણકારી હોતી નથી.
તમને જણાવી દઈએ કે જો સિલિન્ડર એક્સપાયર થઈ ગયું હોય, તો તેમાં લીકેજ, બ્લાસ્ટ કે આગ લાગવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ નાની એવી બેદરકારી આગળ જઈને મોટા અકસ્માતનું કારણ બની શકે છે. તેથી એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા ઘરમાં લાગેલો ગેસ સિલિન્ડર એક્સપાયર તો નથી થઈ ગયો ને. ઘરે બેઠા તમે જાણી શકો છો કે સિલિન્ડર એક્સપાયર છે કે નહીં.
કેવી રીતે ચેક કરવી સિલિન્ડરની એક્સપાયરી ડેટ?
એલપીજી (LPG) સિલિન્ડરની એક્સપાયરી ડેટ તેના ઉપરના ભાગમાં બનેલી લોખંડની પટ્ટી પર લખેલી હોય છે. તમે ઘણીવાર ત્યાં A-28, B-29, C-26 કે D-27 જેવા નિશાન જોયા હશે. આ જ હકીકતમાં સિલિન્ડરની વેલિડિટીની ઓળખ છે. આમાં લખેલ આલ્ફાબેટ (અક્ષર) મહિના વિશે જણાવે છે અને તેની આગળ લખેલો નંબર વર્ષ દર્શાવે છે.
A નો અર્થ જાન્યુઆરીથી માર્ચ
B નો અર્થ એપ્રિલથી જૂન
C નો અર્થ જુલાઈથી સપ્ટેમ્બર
D નો અર્થ ઓક્ટોબરથી ડિસેમ્બર
જો કોઈ સિલિન્ડર પર D-27 લખેલું છે, તો તેનો અર્થ એ છે કે તે સિલિન્ડર વર્ષ ૨૦૨૭માં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે એક્સપાયર થશે. તેવી જ રીતે B-29 લખેલું હોય તો તે ૨૦૨૯માં એપ્રિલથી જૂનની વચ્ચે વેલિડ રહેશે. આ કોડને સમજીને તમે તમારા સિલિન્ડરની એક્સપાયરી જાતે ચેક કરી શકો છો.
એક્સપાયર સિલિન્ડર કેમ છે ખતરનાક?
એક્સપાયર ગેસ સિલિન્ડર માત્ર કાગળોમાં જૂનું નથી હોતું, પરંતુ તે સુરક્ષાની દૃષ્ટિએ પણ નબળું હોઈ શકે છે. સમય જતાં સિલિન્ડરની ધાતુ નબળી પડે છે, વાલ્વમાં ખામી આવી શકે છે અને અંદર પ્રેશર (દબાણ) સહન કરવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. આવા સિલિન્ડરથી ગેસ લીકેજ, આગ લાગવા કે બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે.
જો તમારા સિલિન્ડરની પટ્ટી પર લખેલી ડેટ નીકળી ગઈ હોય, તો તેનો ઉપયોગ ન કરો. તરત જ તમારી ગેસ એજન્સીનો સંપર્ક કરો અને સિલિન્ડર બદલાવો. ડિલિવરી સમયે પણ આદત પાડી લો કે સિલિન્ડરની પટ્ટી જરૂર જોશો. આ નાનકડું ચેક તમારા ઘર-પરિવારને સુરક્ષિત રાખી શકે છે.

