Income Tax Deadlines December: ડિસેમ્બર ડેડલાઇન: આવકવેરાના આ 3 કામ 31 ડિસેમ્બર સુધીમાં પતાવી લો, નહીં તો ભરવો પડશે ભારે દંડ!

Arati Parmar
3 Min Read

Income Tax Deadlines December: અડધો ડિસેમ્બર વીતી ચૂક્યો છે અને વર્ષનો છેલ્લો મહિનો આવકવેરાદાતાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ પૂરું થાય તે પહેલાં એવા અનેક જરૂરી નાણાકીય કાર્યો છે, જેની ડેડલાઇન આ મહિને પૂરી થઈ રહી છે. જો નિયત સમય સુધીમાં આ કામો પૂરા કરવામાં ન આવે તો કરદાતાઓએ દંડ, વ્યાજ અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકોએ હજુ સુધી આ કામો પૂરા નથી કર્યા, તેમના માટે આ છેલ્લી તક હોઈ શકે છે. તો ચાલો જાણીએ કયા કયા કામો તમારે 31 ડિસેમ્બર પહેલા પતાવવાના છે.

ITR માટે છેલ્લી તક: જે કરદાતાઓ નિયત સમય મર્યાદામાં તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શક્યા ન હતા, તેઓ આવકવેરા અધિનિયમની કલમ 139 (4) હેઠળ બિલેટેડ (મોડું) અથવા રિવાઇઝ્ડ ઇ-રિટર્ન ફાઇલ કરી શકે છે.

- Advertisement -

બિલેટેડ રિટર્ન: જે કરદાતાઓ 15 ડિસેમ્બર સુધી મૂળ ITR ભરી શક્યા ન હતા, તેમના માટે છેલ્લી તક 31 ડિસેમ્બર છે. જોકે, આ માટે મહત્તમ 5000 રૂપિયા સુધીની લેટ ફી લાગી શકે છે. જેમની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તેમના માટે આ ફી 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાકી ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવું પડશે.

રિવાઇઝ્ડ રિટર્ન: જેમણે સમયસર ITR ભરી દીધું હતું પરંતુ તેમાં કોઈ ભૂલ સુધારવી હોય અથવા ફેરફાર કરવો હોય, તેઓ પણ 31 ડિસેમ્બર સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકે છે. જો ટેક્સની જવાબદારી વધતી હોય તો 25 થી 50 ટકા સુધી વધારાનો દંડ પણ ભરવો પડી શકે છે.

- Advertisement -

આધાર-પાન લિંક કરવાની છેલ્લી તારીખ પણ 31 ડિસેમ્બર: જે લોકોના આધાર કાર્ડ 1 ઓક્ટોબર 2024 કે તે પહેલાં બન્યા હતા, તેમના માટે આધાર અને પાન કાર્ડ લિંક કરવું અનિવાર્ય છે. આ પ્રક્રિયા 31 ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવી પડશે. જો નક્કી કરેલી તારીખ સુધી લિંક નહીં કરવામાં આવે તો પાન કાર્ડ ઇન-એક્ટિવ (બંધ) થઈ શકે છે, જેનાથી બેંકિંગ, રોકાણ અને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડશે.

કેવી રીતે કરશો આધાર-પાન લિંક?

- Advertisement -

આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જઈને ‘લિંક આધાર’ વિકલ્પ પસંદ કરો.

ત્યારબાદ પાન અને આધાર નંબર દાખલ કરો.

હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખો અને UIDAI વેરિફિકેશન માટે સંમતિ આપો.

પ્રક્રિયા પૂર્ણ થતાં જ લિંક થયાનો મેસેજ સ્ક્રીન પર દેખાશે.

આ ઉપરાંત, એસએમએસ (SMS) દ્વારા પણ લિંકિંગ કરી શકાય છે. તેના માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી UIDPAN <આધાર નંબર> <પાન નંબર> લખીને 567678 અથવા 56161 પર મેસેજ મોકલી શકાય છે.

Share This Article