નવી દિલ્હી, તા. 6 : ગાઝા સાથે ખોલેલા યુદ્ધમોરચાને આવતીકાલે એક વર્ષ થઈ રહ્યું છે ત્યારે ઈઝરાયેલે ગાઝામાં મસ્જિદ પર કરેલા ભીષણ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયાં હતાં.બીજી તરફ, બૈરૂતમાં ઈઝરાયેલના હવાઈહુમલા બાદથી ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડસ કુદ્સ ફોર્સના બ્રિગેડિયર જનરલ ઈસ્માઈલ કાની લાપતા બન્યા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.

હમાસ શાસિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ડેર અલ-બલાહમાં એક મસ્જિદને નિશાન બનાવતા ઈઝરાયેલી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે ઈઝરાયેલી સેનાએ એમ કહ્યું હતું કે તેણે હમાસ આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈબ્ન રૂશ્દ સ્કૂલ અને અલ-અક્સા મસ્જિદમાં વિસ્થાપિત લોકો પર થયેલા હુમલાના પરિણામસ્વરૂપ હોસ્પિટલોમાં લાવવામાં આવેલા મૃતદેહોની સંખ્યા 26 સુધી પહોંચી હતી. અનેક લોકો ઘાયલ થયા હતા.
ઈઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે તેણે મસ્જિદમાં `કમાન્ડ અનેકન્ટ્રોલ સેન્ટરની અંદર કામ કરી રહેલા આતંકવાદીઓ પર સટીક હુમલો કર્યો હતો જોકે સેનાએ માર્યા ગયેલાઓની સંખ્યા જણાવી ન હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગાઝા-ઈઝરાયેલ સંઘર્ષને એક વર્ષ?પૂર્ણ થશે. ગયા વર્ષે સાતમી ઓક્ટોબરે જ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો જેમાં 1200 ઈઝરાયેલી માર્યા ગયા બાદ અત્યાર સુધી જારી સંઘર્ષમાં ઈઝરાયેલે લગભગ રોજ હુમલા કર્યા હતા જેમાં 41788 લોકોને માર્યા છે.
દરમ્યાન, ઈરાની કુદ્સ ફોર્સના બ્રિગેડિયર જનરલ અને કાસીમ સુલેમાનીના ઉત્તરાધિકારી ઈસ્માઈલ કાની લાપતા થયા હતા. ઈઝરાયેલ તેના મોતની તપાસ કરી રહ્યું છે. મળતી વિગત મુજબ ઈઝરાયેલે જ્યારે હુમલો કર્યો ત્યારે હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહના સંભવિત ઉત્તરાધિકારી હાસમ સફિયોદ્દીન સાથે કાની પણ મોજૂદ હતા. ઈઝરાયેલી મીડિયા અહેવાલો અનુસાર તેણે નસરલ્લાહના સંભવિત ઉત્તરાધિકારી સફિયોદ્દીનને નિશાન બનાવ્યા તે હુમલામાં કાની ઘાયલ હોય તેવી સંભાવના છે. સુલેમાનીના ઉત્તરાધિકારી કાની નસરલ્લાહની શ્રદ્ધાંજલિ સભામાં ન પહોંચતાં તેમના મોતની સંભાવના વહેતી થઈ છે

