Abdul Malik al Houthi: યમનમાં હૂતી બળવાખોરો અને સાઉદી સમર્થિત સરકાર વચ્ચે લગભગ એક મહિનાથી લડાઈ ચાલી રહી છે. યમનનો મોટો વિસ્તાર અગાઉથી જ હૂતીઓના નિયંત્રણમાં હતો. તાજેતરના સંઘર્ષમાં બાબ-અલ-મંડેબ સુધી પહોંચ આપતા દરિયાકાંઠાના વિસ્તારો પર પણ હૂતીઓનું નિયંત્રણ થઈ ગયું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં હૂતી નેતા અબ્દુલ મલિક અલ-હૂતીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે, તેઓ રાજધાની સના અથવા અન્ય વિસ્તારોમાં જોવા મળતા નથી. અબ્દુલ મલિકના નિવેદનો અથવા વીડિયો સંદેશા જ તેમના જૂથ તરફથી જાહેર કરવામાં આવે છે.
યમનની રાજધાની સનામાં અબ્દુલ મલિક અલ-હૂતીના ફોટા મોટી સંખ્યામાં જોવા મળે છે. અનેક સ્થળોએ મોટી સ્ક્રીન પર તેમના ભાષણો ચલાવવામાં આવે છે. તેમના સમર્થકો હાથમાં તેમની તસવીરવાળા બેનરો લઈને ફરતા હોય છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આટલો પ્રભાવ હોવા છતાં સમર્થકો પોતાના નેતાને રૂબરૂ જોઈ શકતા નથી. અજ્ઞાત સ્થળે રહેવાના કારણે તેઓ પોતાના નેતાને માત્ર સ્ક્રીન પર જ જોઈ શકે છે.
પયગંબરના વંશજ!
અબ્દુલ મલિક અલ-હૂતી પોતાને પયગંબરના વંશજ ગણાવે છે. તેઓ ઝૈદી શિયા પરંપરા સાથે જોડાયેલા છે. અબ્દુલ મલિક એક દાયકાથી વધુ સમયથી ઉત્તર-પશ્ચિમ યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવતા હૂતી આંદોલનના નેતા છે. તેઓ જાહેરમાં સામે આવવાનું ટાળે છે. તેમની બેઠકો ઘણી વખત ગુફાઓ અથવા સુરક્ષિત ઠેકાણાઓ પરથી વીડિયો દ્વારા યોજાય છે.
મલિકના છુપાઈને રહેવા પાછળ મજબૂત કારણ છે. હૂતીઓ ઈરાનના સૌથી મજબૂત અને સક્રિય સહયોગી જૂથોમાં સામેલ છે. તાજેતરના વર્ષોમાં ઇઝરાયલે ઈરાન સમર્થિત હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનોના નેતાઓને સતત નિશાન બનાવ્યા છે. ઇઝરાયલના ખતરા છતાં મલિક અલ-હૂતી અત્યાર સુધી સુરક્ષિત છે તો તેની પાછળનું એક કારણ એ પણ છે કે તેમના ઠેકાણાની જાણકારી બહુ ઓછા લોકોને છે.
અબ્દુલ મલિક અલ-હૂતીનો પરિવાર
અબ્દુલ મલિક અલ-હૂતીનો જન્મ આશરે 1980માં યમનના ઝૈદી શિયા સમુદાય સાથે જોડાયેલા ધર્મગુરુના પરિવારમાં થયો હતો. 1990ના દાયકામાં તેમના મોટા ભાઈ હુસૈન અલ-હૂતીએ નેટવર્ક ઊભું કર્યું અને તેઓ ઈરાનથી પ્રભાવિત થયા. 1994માં તેમણે વિદ્યાર્થીઓને ઈરાન મોકલવાનું શરૂ કર્યું. હુસૈને જ હૂતી આંદોલનનું જાણીતું સૂત્ર આપ્યું હતું, ‘અમેરિકા મુર્દાબાદ, ઇઝરાયલ મુર્દાબાદ’.
હૂતીઓએ સાઉદી સમર્થિત સરકાર સામે બળવો કર્યો. હુસૈન માર્યા ગયા ત્યારે અબ્દુલ મલિકે હૂતીની કમાન સંભાળી લીધી. ગૃહયુદ્ધ દરમિયાન અબ્દુલ મલિક અલ-હૂતી મોરચે જતા રહ્યા. તેમણે હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહને આદર્શ બનાવ્યા અને તેમની ભાષણ શૈલી અપનાવી.
2014માં સના પર કબજો મેળવ્યો ત્યારે હૂતીઓ પાસે મર્યાદિત હથિયારો હતા, પરંતુ ઈરાનના સમર્થનથી હવે તેમની પાસે એન્ટી-શિપ, બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ અનુસાર સાઉદીએ અમેરિકાને હૂતીઓ પર હુમલો કરવા કહ્યું હતું, પરંતુ અમેરિકાએ ઇનકાર કર્યો હતો.
- અબ્દુલ મલિકના ભત્રીજા અલી પાસે સંગઠનની ગુપ્ત પોલીસની જવાબદારી છે.
- મલિકની ભત્રીજી ફાતિમા ઝૈનબિયાત નામની મહિલા બ્રિગેડનું નેતૃત્વ કરે છે.

