Balochistan 11 August Independence Day: પાકિસ્તાનથી આઝાદીના દાવા બાદ બલૂચિસ્તાનની નવી જાહેરાત, શું મળશે વૈશ્વિક માન્યતા?
Balochistan 11 August Independence Day: બલૂચિસ્તાને પાકિસ્તાનથી આઝાદી જાહેર કર્યા બાદ 11 ઑગસ્ટને પોતાનો ‘સ્વતંત્રતા દિવસ’ જાહેર કર્યો છે. બલૂચિસ્તાનના નેતાઓએ વિશ્વના દેશોને તેને માન્યતા આપવા અપીલ કરી છે. જેના બાદ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ભારત બલૂચિસ્તાનને અલગ દેશ તરીકે માન્યતા આપશે? ‘રિપબ્લિક ઑફ બલૂચિસ્તાન’ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં બલૂચ લોકોને રાષ્ટ્રીય એકતા સાથે ‘સ્વતંત્રતા દિવસ’ ઉજવવા અપીલ કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેને સ્વતંત્ર અને સર્વભૌમ બલૂચિસ્તાન તરીકે માન્યતા આપવા વિનંતી કરવામાં આવી છે.
બલૂચિસ્તાનનો 11 ઑગસ્ટે ‘ઇન્ડિપેન્ડન્સ ડે’ જાહેર કરવાનો નિર્ણય
બલૂચ આઝાદી આંદોલનના નેતા મીર યાર બલૂચે કહ્યું કે બલૂચ રાષ્ટ્રના લોકોએ પોતાના ઘરો, મહોલ્લાઓ, બજારો, દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળોએ સ્વતંત્ર બલૂચિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો જોઈએ. તેમણે કહ્યું કે આ આયોજનનો હેતુ આ ઐતિહાસિક દિવસનું મહત્વ આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો છે.
નિવેદન અનુસાર, બલૂચિસ્તાન ગણરાજ્ય 11 ઑગસ્ટને પોતાનો સ્વતંત્રતા દિવસ માને છે અને જણાવ્યું છે કે આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવશે. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ઉપખંડના વિભાજનના કારણે સમગ્ર વિસ્તારમાં લાંબા સમય સુધી સંઘર્ષ, અશાંતિ, આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને રાજકીય સંકટની સ્થિતિ યથાવત રહી.
The Republic of Balochistan announces worldwide celebrations of August 11 as the Independence Day of Balochistan with national unity
3 August, 2026
On this occasion, the residents of the Baloch nation will hoist the national flag of independent Balochistan in their homes,… pic.twitter.com/CsDZqWAC8x
— Mir Yar Baloch (@miryar_baloch) August 3, 2026
બલૂચ નેતાના નિવેદનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પાકિસ્તાનની નીતિઓની અસર માત્ર આ વિસ્તાર પર જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગો પર પણ પડી છે. નિવેદનમાં કાશ્મીર, માર્ચ 1948માં બલૂચિસ્તાનમાં થયેલી સૈન્ય કાર્યવાહી, 1971માં પૂર્વ પાકિસ્તાનમાં થયેલો સંઘર્ષ, જોર્ડનમાં પેલેસ્ટિનિયન સાથે જોડાયેલા ઑપરેશન, સોવિયેત-અફઘાન યુદ્ધ, ચાગાઈ જિલ્લામાં 1998માં થયેલા પરમાણુ પરીક્ષણો અને અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલા બાદની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સમુદાય અને ભારત આપશે માન્યતા?
બલૂચિસ્તાન ગણરાજ્યનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન તેના વર્તમાન સ્વરૂપમાં રહેશે, ત્યાં સુધી સ્થાયી શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ હાંસલ કરી શકાશે નહીં. સંગઠને આંતરરાષ્ટ્રીય સમુદાયને બલૂચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપવા અને તેના પક્ષને સમર્થન આપવા અપીલ કરી છે.
ગ્રુપના નિવેદન અનુસાર, બલૂચિસ્તાને સૌપ્રથમ 11 ઑગસ્ટ 1947ના રોજ પોતાની આઝાદી જાહેર કરી હતી, જ્યારે ભારતીય ઉપખંડમાંથી બ્રિટિશ શાસન સમાપ્ત થઈ રહ્યું હતું. ગ્રુપનો દાવો છે કે આ જાહેરાતના સમાચાર ‘દ ન્યૂયોર્ક ટાઇમ્સ’ સહિત આંતરરાષ્ટ્રીય મીડિયાએ પ્રકાશિત કર્યા હતા અને ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દ્વારા તેનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ કારણસર બલૂચ લોકો 11 ઑગસ્ટને આઝાદી દિવસ તરીકે માને છે અને તેથી જ તેને ‘સ્વતંત્રતા દિવસ’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

