COVID-19 PJ.2.1 Variant: ઉત્તર અમેરિકા સહિત અનેક ખંડોમાં ઝડપથી ફેલાઈ રહેલા COVID-19ના નવા વેરિઅન્ટ PJ.2.1એ આરોગ્ય સંસ્થાઓની ચિંતા વધારી દીધી છે. કેનેડાના ઑન્ટારિયોમાં પ્રથમ વખત ઓળખાયા બાદ અત્યાર સુધીમાં આ વેરિઅન્ટ 8 દેશોમાં પહોંચી ચૂક્યો છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપ અને એશિયાના દેશોમાં પણ તેના કેસ નોંધાયા છે. ઝડપથી ફેલાઈ રહેલા આ વેરિઅન્ટને કારણે ચિંતા વધી છે કે શું તેનાથી ચેપની બીજી લહેર આવી શકે છે.
આ વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં અસામાન્ય રીતે ઘણા મ્યુટેશન થયાં છે. સ્પાઇક પ્રોટીન વાયરસનો એ ભાગ છે, જે તેને માનવીના કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય સંસ્થાઓ આ વેરિઅન્ટની ઝડપથી ફેલાવાની ક્ષમતા પર બારીકાઈથી નજર રાખી રહી છે.
આ દેશોમાં નોંધાયા કેસ
કેનેડા, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયેલ, સિંગાપોર.
PJ.2.1 ઝડપથી ફેલાવાનું કારણ
જર્નલ ઑફ ઇન્ફેક્શને આ વેરિઅન્ટ અંગેનો પ્રારંભિક અભ્યાસ પ્રકાશિત કર્યો છે. અભ્યાસમાં જણાવાયું છે કે તેના ઝડપથી ફેલાવાનું કારણ કદાચ ACE2 રિસેપ્ટર સાથે વધુ ઝડપથી જોડાવાની ક્ષમતા છે.
આ ફેરફારને કારણે તે અન્ય વેરિઅન્ટની સરખામણીમાં માનવીના કોષોમાં વધુ સરળતાથી પ્રવેશી શકે છે.
સંશોધકોને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં રસીથી બનેલી એન્ટિબૉડીઝથી બચવામાં સક્ષમ છે.
તેના લક્ષણો સામાન્ય શરદી-ઉધરસ અને ફ્લૂ જેવા હોઈ શકે છે.
નવો વેરિઅન્ટ ગંભીર ખતરો નથી
COVID-19 મહામારીની શરૂઆતના સમયની જેમ આ વેરિઅન્ટ ગંભીર બીમારી કે મૃત્યુનું કારણ બની રહ્યો નથી, પરંતુ નબળી તબિયત ધરાવતા લોકો માટે તે જોખમરૂપ છે. ડૉક્ટરોનું કહેવું છે કે તાજેતરના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં નવો વેરિઅન્ટ PJ.2.1 ઘણો વધારે જોખમી જણાતો નથી. જોકે, કુલ કેસોમાં તેનો હિસ્સો ઘણો વધારે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વેરિઅન્ટનાં લક્ષણો પણ સામાન્ય શરદી-ઉધરસ જેવાં હોય છે, પરંતુ ચોક્કસ ઓળખ માટે એન્ટિજન ટેસ્ટ જરૂરી છે. વાયરસના વેરિઅન્ટની ઓળખ જીનોમિક સિક્વન્સિંગ દ્વારા કરવામાં આવે છે.
ભારતીયોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?
એવા કોઈ પુરાવા સામે આવ્યા નથી કે PJ.2.1 વેરિઅન્ટ અગાઉની સરખામણીમાં વધુ ગંભીર બીમારીનું કારણ બને છે અથવા તેના કારણે લોકોને વધુ પ્રમાણમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી. સાવચેતીના ભાગરૂપે ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરો. જો મોસમી ફ્લૂ અથવા શરદી-ઉધરસનાં લક્ષણો બે દિવસથી વધુ સમય સુધી રહે, તો પોતાને અલગ રાખો અને ટેસ્ટ કરાવો.

