India Image Global Survey: દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા અને તેના વધતા કૂટનીતિક પ્રભાવને લઈને એક મોટો ખુલાસો થયો છે. ગ્લોબલ થિંક-ટેન્ક ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ દ્વારા 36 દેશોમાં કરાયેલા એક સર્વેમાં ભારત અંગે વૈશ્વિક અભિપ્રાય નોંધપાત્ર રીતે વહેંચાયેલો જોવા મળ્યો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ 36 દેશોમાં સરેરાશ 45% લોકો ભારત પ્રત્યે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે જ્યારે 41% લોકોનો અભિપ્રાય નકારાત્મક છે. જોકે સૌથી રસપ્રદ અને નાટકીય આંકડા ભારતના પડોશી દેશોમાંથી સામે આવ્યા છે.
એક તરફ શ્રીલંકામાં રેકોર્ડ 79% લોકો ભારતને પસંદ કરે છે તો બીજી તરફ પાકિસ્તાનમાં આ આંકડો ઘટીને માત્ર 7% રહ્યો છે. એટલે કે પાકિસ્તાનમાં માત્ર 7 ટકા લોકો જ ભારતને પસંદ કરે છે. પ્યુ રિસર્ચ સેન્ટરે આ સર્વે આ વર્ષે 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન 36 દેશોમાં કર્યો હતો. ભારત અંગે પડોશી દેશોના અભિપ્રાયમાં મોટો તફાવત જોવા મળ્યો છે. શ્રીલંકામાં 79% લોકોનો ભારત પ્રત્યે સકારાત્મક અભિપ્રાય છે જ્યારે પાકિસ્તાનમાં માત્ર 7% લોકોનો અભિપ્રાય સકારાત્મક છે.
ઇઝરાયેલમાં ડાબેરી વિચારધારા ધરાવતા 46% લોકોનો ભારત વિશે સારો અભિપ્રાય છે જ્યારે જમણેરી વિચારધારા ધરાવતા 68% લોકોએ ભારત અંગે મજબૂત સકારાત્મક અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
કેન્યા અને UKમાં ભારત અંગે કેવો અભિપ્રાય છે?
‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના સર્વેમાં જણાવાયું છે કે શ્રીલંકા ઉપરાંત કેન્યા અને UKમાં ભારત વિશે ખૂબ મજબૂત અને સકારાત્મક અભિપ્રાય છે. આ બંને દેશોમાં 10માંથી 7 લોકો ભારતને પસંદ કરે છે જ્યારે જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, સ્વીડન, જાપાન અને થાઇલેન્ડમાં પણ મોટાભાગના લોકો ભારત વિશે સારો અભિપ્રાય ધરાવે છે. તુર્કીમાં 15% લોકોનો ભારત અંગે સારો અભિપ્રાય છે જ્યારે વેસ્ટ બેંક અને પૂર્વીય જેરુસલેમમાં 18% રેટિંગ છે, જે ખૂબ ઓછું છે. આ બંને સ્થળોએ મોટાભાગના લોકોનો ભારત વિશે સારો અભિપ્રાય નથી.
અન્ય સ્થળોએ અભિપ્રાય મિશ્રિત રહ્યો છે. ઘણા યુરોપિયન અને લેટિન અમેરિકન દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોઈ અભિપ્રાય આપ્યો નથી. પરંતુ યુરોપમાં નકારાત્મક અભિપ્રાય કરતાં સકારાત્મક અભિપ્રાય વધુ છે જ્યારે લેટિન અમેરિકામાં તેનું વિપરીત જોવા મળે છે.
અમેરિકાના પુખ્ત વયના લોકો ભારતને કયા દૃષ્ટિકોણથી જુએ છે?
અમેરિકામાં 45 ટકા લોકોનો ભારત અંગે સારો અભિપ્રાય છે જ્યારે 50 ટકા લોકોનો અભિપ્રાય નકારાત્મક છે. 2008થી આ સંશોધન શરૂ થયું ત્યારથી આ સૌથી નીચું રેટિંગ છે. ભારત અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવતા અમેરિકનોની સંખ્યામાં 2023 પછી નોંધપાત્ર ઘટાડો થયો છે. તે સમયે 51% લોકોએ સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. માનવામાં આવે છે કે ઇમિગ્રેશન, વિઝા વિવાદ અને ટ્રમ્પની વિદેશ નીતિનો તેના પર પ્રભાવ પડ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને રિપબ્લિકન વિચારધારા ધરાવતા લોકોની સરખામણીએ ડેમોક્રેટ અને ડેમોક્રેટ વિચારધારા ધરાવતા લોકોએ ભારત અંગે વધુ સારો પ્રતિસાદ આપ્યો છે. રિપબ્લિકન પાર્ટીના 42 ટકા સમર્થકોનો ભારત અંગે સારો અભિપ્રાય છે જ્યારે 50 ટકા ડેમોક્રેટિક સમર્થકો ભારતના સમર્થનમાં છે. અમેરિકાના 54 ટકા લોકોએ કહ્યું છે કે ભારતનો વૈશ્વિક પ્રભાવ પહેલાની જેમ જ છે જ્યારે 30 ટકાએ કહ્યું કે પ્રભાવ વધ્યો છે અને 13 ટકાએ કહ્યું કે ભારતનો પ્રભાવ નબળો થયો છે.
યુરોપિયન દેશોમાં ભારતનો વધ્યો પ્રભાવ
સર્વેમાં જાણવા મળ્યું છે કે જર્મની, UK અને શ્રીલંકામાં ભારત અંગે લોકોનો અભિપ્રાય વધુ સારો થયો છે. 2025 પછી UKમાં ભારત અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવતા લોકોની સંખ્યામાં 11 પોઇન્ટ અને જર્મનીમાં 6 પોઇન્ટનો વધારો થયો છે. શ્રીલંકામાં 2024 પછી તેમાં 14 પોઇન્ટનો વધારો થયો છે.
2023માં જ્યારે કોવિડ-19 મહામારી પછી ઘણા યુરોપિયન દેશોમાં ભારત અંગે સકારાત્મક અભિપ્રાય વધ્યો છે. ઉદાહરણ તરીકે, 2023માં 47% જર્મન લોકો ભારત અંગે સારો અભિપ્રાય ધરાવતા હતા જ્યારે આજે 63% લોકો ભારત અંગે સકારાત્મક અભિપ્રાય ધરાવે છે. જ્યારે ફ્રાન્સમાં 2023માં 39% લોકો ભારત અંગે સારો અભિપ્રાય ધરાવતા હતા, જે હવે વધીને 50 ટકા થયો છે.

