Influential Muslims 2026: દુનિયાના સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં અસીલ મુનીર અને શહબાઝ શરીફ ટોચ પર, સાઉદી અને તુર્કીના નેતાઓ પણ પ્રથમ ક્રમે

Arati Parmar
4 Min Read
Influential Muslims 2026

Influential Muslims 2026: પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શહબાઝ શરીફને વર્તમાન સમયમાં દુનિયાની સૌથી પ્રભાવશાળી મુસ્લિમ હસ્તીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. યાદીમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન પણ પ્રથમ ક્રમે છે. રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર (RISSC)એ દુનિયાના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં ચાર લોકોને સંયુક્ત રીતે ટોચ પર સ્થાન આપ્યું છે.

જોર્ડનના અમ્માનમાં આવેલી સંશોધન સંસ્થા RISSC વર્ષ 2009થી દર વર્ષે ‘દુનિયાના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમો’ શીર્ષક હેઠળ અહેવાલ પ્રકાશિત કરે છે. સંસ્થાનો દાવો છે કે તે પોતાની યાદીમાં એવા લોકોને સામેલ કરે છે, જેઓ મોટા પ્રભાવ ધરાવતા હોદ્દા પર છે. તે મુસ્લિમ સમુદાય માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોને પણ તેમાં સામેલ કરે છે.

- Advertisement -

પાકિસ્તાની નેતાઓએ ખુશી વ્યક્ત કરી

ડૉનના જણાવ્યા અનુસાર, આ યાદીમાં પ્રથમ વખત ચાર નામોને ટોચનું સ્થાન મળ્યું છે. આવું પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા મક્કા કરારને માન્યતા આપવા માટે કરવામાં આવ્યું છે. આ બાબતનો સંકેત છે કે મુસ્લિમ દેશો એકબીજાની સુરક્ષા માટે કેવી રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયનું મહત્ત્વપૂર્ણ કારણ મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર છે.

પાકિસ્તાનના નેતાઓએ આ યાદીને પોતાના દેશ માટે ગૌરવની બાબત ગણાવી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે X પર લખ્યું કે આ દરેક પાકિસ્તાની માટે આભાર વ્યક્ત કરવાની ક્ષણ છે. PML-Nના સાંસદ સમરે X પર લખ્યું, ‘આ દેશ માટે ગૌરવની ક્ષણ છે. આપણા વડાપ્રધાન અને CDF દુનિયાના પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં સૌથી ઉપર છે.’

- Advertisement -

ખામેનેઈ અને હૂતી ટોચના 15માં

પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીના નેતાઓ પછી આ યાદીમાં ચોથા ક્રમે ઈરાનના સર્વોચ્ચ નેતા મુજતબા ખામેનેઈ અને પાંચમા સ્થાને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય છે. કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાનના શેખ મોહમ્મદ તકી ઉસ્માનીને સાતમા સૌથી પ્રભાવશાળી મુસ્લિમ માનવામાં આવ્યા છે.

- Advertisement -

આ યાદીમાં આઠમા ક્રમે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ, નવમા ક્રમે મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠા અને દસમા ક્રમે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો છે. અગિયારમા ક્રમે યમનના હૂતી નેતા શેખ અબ્દુલ મલિક હૂતી છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાન 12મા સ્થાને છે.

સાલેહ અને મમદાનીનાં નામ પણ સામેલ

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ સઈદ અલ-સીસી 22મા સ્થાને છે. પાકિસ્તાની ઇસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલ 32મા અને ઇજિપ્તના સ્ટાર ફૂટબોલર મોહમ્મદ સાલેહ 39મા સ્થાને છે. પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ 45મા અને સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા 46મા સ્થાને છે.

ન્યૂયોર્ક સિટીના મેયર જોહરાન મમદાની આ યાદીમાં 49મા સૌથી પ્રભાવશાળી મુસ્લિમ તરીકે સામેલ છે. આ યાદીમાં હમાસના વડા ખલીલ અલ-હય્યા, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન, લંડનના મેયર સાદિક ખાન અને અમેરિકામાં સેનેટર તરીકે ચૂંટાયેલા અબ્દુલ અલ-સૈયદનાં નામ પણ સામેલ છે.

મેન અને વુમન ઑફ ધ યર

દર વર્ષે RISSC બે લોકોને ‘મેન ઑફ ધ યર’ અને ‘વુમન ઑફ ધ યર’ તરીકે પસંદ કરે છે. આ વર્ષે પેલેસ્ટાઇનના બાળકોના ડૉક્ટર હુસામ અબુ સફિયાને ‘મેન ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ એવા ડૉક્ટર છે, જેમણે પોતાના દર્દીઓને છોડવાનો ઇનકાર કર્યો હતો. પોતાના પુત્રને દફનાવ્યા પછી પણ તેઓ વૉર્ડમાં પાછા ફર્યા હતા. તેઓ 600થી વધુ દિવસથી ઇઝરાયેલી કસ્ટડીમાં છે.

ઈરાનના મિનાબ સ્કૂલ પરના હુમલામાં બચી ગયેલાં ફાતિમેહ ઝહરા શેખઆબાદીને ‘વુમન ઑફ ધ યર’થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ઈરાનના મિનાબમાં છોકરીઓની પ્રાથમિક શાળા પર અમેરિકાના હુમલામાં 150 લોકોનાં મોત થયાં હતાં. પોતાની શાળા પર થયેલા અમેરિકાના હુમલામાં બચી ગયેલાં શેખઆબાદી જિનીવા ગયાં હતાં અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં વિશ્વના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ મિનાબનાં બાળકોનો અવાજ સાંભળે.

Share This Article