BLAના વધતા હુમલાઓ વચ્ચે પાકિસ્તાનનો મોટો નિર્ણય, નિવૃત્ત Frontier Corps જવાનોને 30 ઓક્ટોબર સુધી પરત ફરવા આદેશ
Pakistan-Balochistan Conflict: બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની પકડ એવી રીતે નબળી પડી રહી છે કે હવે તેને પોતાના નિવૃત્ત થઈ ચૂકેલા જવાનોને ફરીથી બોલાવવા પડી રહ્યા છે. પાકિસ્તાનના ફ્રન્ટિયર કોર્પ્સે બલૂચિસ્તાન પ્રાંતમાં નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને ફરીથી સેવામાં બોલાવવાનો નિર્ણય લીધો છે. ફ્રન્ટિયર કોર્પ્સ બલૂચિસ્તાન (નૉર્થ)ના ઇન્સ્પેક્ટર જનરલની ઑફિસમાંથી આ અંગે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ફરી ભરતી માટે પોતાની જૂની યુનિટમાં હાજર થાય.
BLAએ બલૂચિસ્તાનમાં હુમલાઓ તેજ કર્યા
જૂના સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે બલૂચ વિદ્રોહી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સુરક્ષા દળો સામે પોતાના હુમલાઓ તેજ કરી દીધા છે. બલૂચિસ્તાનની આઝાદી માટે લડી રહેલા આ જૂથનો દાવો છે કે તેણે એકલા સપ્ટેમ્બર મહિનામાં પ્રાંતમાં 94 સશસ્ત્ર હુમલા કર્યા છે.
30 ઓક્ટોબર સુધી હાજર થવા કહેવામાં આવ્યું
અહેવાલ અનુસાર, ફ્રન્ટિયર કોર્પ્સના નિવૃત્ત સૈનિકોને 30 ઓક્ટોબર સુધી જૂની યુનિટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમને સૂચના આપવામાં આવી છે કે જો તેઓ ફરીથી સેવામાં પરત ફરવા માગતા હોય તો 30 ઓક્ટોબર પહેલાં પોતાના વિંગ કમાન્ડરોનો સંપર્ક કરે. અહેવાલમાં દસ્તાવેજોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પહેલાં નિવૃત્ત થઈ ચૂકેલા જવાનોને પણ ફરીથી ભરતી કરવા અંગે વિચારણા થઈ શકે છે. ફરજ પર પરત ફરનારા જવાનોને તેમની પૂર્ણ કરેલી સેવાના આધારે પગાર આપવાની યોજના છે.
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન
પાકિસ્તાન દ્વારા પોતાના નિવૃત્ત જવાનોને બોલાવવાનો નિર્ણય બલૂચિસ્તાનમાં તેની ખરાબ સ્થિતિ દર્શાવે છે. BLAના હુમલાઓમાં ઝડપ પણ પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ સામે પ્રશ્નો ઊભા કરે છે. સપ્ટેમ્બર મહિનાની ગતિવિધિઓ વિશે જણાવતાં આ અલગાવવાદી જૂથે દાવો કર્યો કે તેણે 94 હુમલા કર્યા, જેમાં 105 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને 52 ઘાયલ થયા.
બલૂચ વિદ્રોહી જૂથે એમ પણ કહ્યું કે તેણે સપ્ટેમ્બરમાં જ 25 સ્થળોએ દરોડા અને નાકાબંધી કરી, જેમાં 37 લોકો માર્યા ગયા. જૂથે માર્યા ગયેલા લોકોને પાકિસ્તાની સેનાના ગુપ્તચર એજન્ટ ગણાવ્યા. આ દરમિયાન 21 પાકિસ્તાની કર્મચારીઓ અને ગુપ્તચર જાસૂસોને પકડી પાડવાનો દાવો કરવામાં આવ્યો. જૂથે સ્વીકાર્યું કે સપ્ટેમ્બરમાં કાર્યવાહી દરમિયાન તેના 33 લડવૈયાઓએ પણ જીવ ગુમાવ્યા.

