ISK LeT Alliance in Balochistan: લશ્કર-એ-તોઈબા અને ISKનું નવું ગઠબંધન, બલૂચ-અફઘાન સંગઠનો પર હુમલાનું ષડયંત્ર

Arati Parmar
3 Min Read

ISK LeT Alliance in Balochistan: બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાન આતંકી જૂથેને લઈને એક ભયાનક માહિતી સામે આવી છે. આ બંને ક્ષેત્રમાં અનેક આતંકવાદી સંગઠનો સક્રિય હોવાના કારણે અવાર-નવાર હુમલો થતા રહે છે. બલૂચિસ્તાનની વાત કરીએ તો અહીં પાકિસ્તાની સેના અને ISI આતંકી જૂથોને હથિયાર બનાવીને લોહિયાળ ખેલ રમી રહ્યા છે. હવે આ તમામ બાબતો વચ્ચે એક ચોંકાવનારી તસવીર સામે આવી છે, જેના કારણે બલૂચિસ્તાન અને અફઘાનિસ્તાન પર સંકટમાં વધારો થયો હતો. રિપોર્ટ મુજબ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતે (ISK) હાથ મિલાવ્યા છે. આ બંને સંગઠન ભેગા મળીને અને આઈએસએસની મદદથી બલૂચ બળવાખોરો અને અફઘાન તાલિબાનના કેટલાક સંગઠનો પર હુમલા કરી રહી છે.

રાણા અશફાકના ગઠબંધને પાકિસ્તાનમાં પહોંચ વધારી

ISKના બલૂચિસ્તાન સંયોજક મીર શફીક મેંગલ અને લશ્કરના વરિષ્ઠ કમાન્ડર રાણા મોહમ્મદ અશફાક સાથે જોવા મળ્યા છે. એટલું જ નહીં મેંગલ અશફાકને પિસ્તોલની ભેટ આપતા હોય તેવી તસવીર પણ સામે આવી છે. આ તસવીર પાકિસ્તાનની આતંક પ્રાયોજિત પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે અને તેમાં આઈએસઆઈનો સ્પષ્ટ ષડયંત્ર દેખાઈ રહ્યું છે. રાણા અશફાક આખા પાકિસ્તાનમાં લશ્કર ફેલાવી રહ્યો છે, નવા ટ્રેનિંગ સેન્ટરો ખોલી રહ્યો છે. આ ઉપરાંત તે નવા સંગઠનો સાથે સંપર્ક વધારવાનો, હાથ મિલાવવાનો અને આતંકને વધુ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે.

મેંગલ ISK માટે સુરક્ષિત આવાસ-નાણાં-હથિયારો પૂરા પાડવા માટે જાણીતો

મીર શફીક મેંગલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો જાણીતો એજન્ટ છે. મેંગલ પૂર્વ બલૂચિસ્તાનના કેરટેકર મુખ્યમંત્રી નાસિરનો પુત્ર છે અને તે 2010થી બલૂચ રાષ્ટ્રવાદીઓને નિશાન બનાવતા એક ખાનગી કિલર સ્કવોડની આગેવાની કરે છે. તે 2015થી ISK માટે સુરક્ષિત આવાસ, નાણાં અને હથિયારો પૂરા પાડવાનું કામ કરે છે. આનો ઉલ્લેખ પાકિસ્તાનની 2015ની સંયુક્ત તપાસ ટીમ (JIT)ના રિપોર્ટમાં પણ છે. તેની રાજકીય પહોંચ પણ ઘણી મજબૂત છે. 2023ના એક ફોટોમાં તે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે જોવા મળ્યો હતો.

ISIએ ISKને નાણાં-હથિયારો પૂરા પાડ્યા

ISIએ 2018 સુધી ISKને નાણાં અને લોજિસ્ટિક્સ આપીને બલૂચિસ્તાનના મસ્તુંગ અને ખુજદાર જિલ્લામાં બે મુખ્ય કેમ્પ બનાવ્યા છે. મેંગલ આ બંને કેમ્પનો ઈન્ચાર હતો. મસ્તુંગનો કેમ્પ બલૂચ બળવાખોરો પર હુમલા કરવા માટે બનાવાયો હતો, જ્યારે ખુજદારનો કેમ્પ અફઘાનિસ્તાનમાં ક્રોસ-બોર્ડર મિશન માટે બનાવાયો હતો. મેંગલના સંગઠનને આઈએસઆઈ દ્વારા નાણાં મળતા હતા. જ્યારે 2023માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરીને સત્તા બનાવી હતી, ત્યારે આઈએસઆઈએ ISKને મહત્ત્વની કામગીરી સોંપી હતી. તેમાં મસ્તુંગ કેમ્પને બલૂચો પર અને ખુજદારને અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કામ સોંપાયું હતું. મેંગલનો કિલર સ્ક્વોડ આઈએસઆઈના ઈશારે બલૂચ બળવાખોરોને મારતો રહે છે.

બલૂચ-અફઘાની સંગઠનો પર હુમલો કરવાનું ષડયંત્ર

માર્ચ 2025માં બલૂચ બળવાખોરોએ મસ્તુંગ કેમ્પ પર મોટો હુમલો કરતા 30 આતંકી માર્યા ગયા હતા. ત્યારબાદ વળતો જવાબ આપવા આઈએસઆઈએ જૂન-2025માં રાણા અશફાકને બલૂચિસ્તાન બોલાવ્યો હતો. જ્યારે લશ્કરના ડેપ્યુટી સેફુલ્લાહે બેઠક બોલાવીને બળવાખોરોને ઠાર કરવાની કસમ ખાધી હતી. મેંગલ અને અશફાકની તસવીર સામે આવ્યા બાદ બંનેએ ગઠબંધન કર્યું હોવાની પુષ્ટિ થઈ છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આઈએસઆઈ ઈસ્લામાબાદના કંટ્રોલમાં ન રહેનારા બલૂચ બળવાખોરો અને અફઘાન તાલિબાનના જૂથો પર હુમલો કરાવવા ઈચ્છે છે.

Share This Article