બૈરૂત, તા.24 : ઈઝરાયલે લેબેનોનમાં હિઝબુલ્લાહ સામેનો સંઘર્ષ વધુ ભીષણ બનાવતાં 1600 લક્ષ્યને નિશાન બનાવીને સોમવારની આખી રાત અને મંગળવારે હવાઈ હુમલા કર્યા હતા. આ હવાઈ હુમલામાં 10 હજાર રોકેટને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ હુમલામાં અત્યાર સુધીમાં 585 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 58 મહિલા અને 35 બાળકનો સમાવેશ થાય છે. ભીષણ હુમલામાં 1800 લોકો ઘાયલ થયા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

દરમ્યાન, લેબેનોનમાં પેજર અને વોકી-ટોકી બાદ હવે રેડિયો સિસ્ટમ હેક થતાં ખળભળાટ મચ્યો છે. અહેવાલો અનુસાર અચાનક જ ત્યાંના રેડિયો નેટવર્ક પર ઈઝરાયલનો સંદેશ સંભળાવા લાગ્યો હતો, જેમાં લોકોને હિઝબુલ્લાહવાળા વિસ્તાર ખાલી કરી સુરક્ષિત સ્થાને ખસી જવા જણાવાઇ રહ્યું છે. રેડિયો સિસ્ટમ પણ હેક થતાં હિઝબુલ્લાહના આતંકવાદીઓમાં અફરાતફરી મચી હતી. તેમને દરેક પ્રકારના ગેઝેટથી દૂર રહેવા જણાવાયું છે. નેતન્યાહૂએ લોકોને ચેતવણી આપતાં કહ્યું હતું કે, અમારી લડાઈ હિઝબુલ્લાહ સાથે છે, વચ્ચે પડશો નહીં. સંયુક્ત રાષ્ટ્રે પણ બંને દેશ વચ્ચેના સંઘર્ષ પર ચિંતા દર્શાવી હતી. અલ જઝીરા અનુસાર, 2006માં ઈઝરાયલ-લેબેનોન યુદ્ધ બાદનો લેબેનોન પર આ સૌથી મોટો હુમલો છે.
ઉલ્લેખનીય છે કે, 2006માં એક મહિના સુધી ચાલેલી લડાઈમાં 1,000 લેબેનીઝ માર્યા ગયા હતા. હાલમાં લેબેનોનમાં 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.અહેવાલ અનુસાર ઈઝરાયલે લેબેનોનમાં હાથ ધરેલાં ઓપરેશનને `નોર્ધન એરોઝ` નામ આપ્યું છે. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે, હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોનના ઘરોમાં મિસાઈલો છૂપાવે છે અને આશરે એક વર્ષથી ઈઝરાયલ પર તેને છોડી રહ્યું છે. દરમ્યાન, બંને દેશ વચ્ચેની તંગ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુતરેસે કહ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે લેબનોન બીજું ગાઝા બને. બીજી તરફ લેબનોન તરફથી વળતા હુમલાની આશંકા વચ્ચે ઈઝરાયલમાં એક સપ્તાહની ઈમર્જન્સી લાદવામાં આવી છે.
સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના આદેશ પર કેબિનેટ પ્રધાનોએ કટોકટીનો નિર્ણય લેવા માટે ફોન દ્વારા મત આપ્યો હતો. ઈઝરાયલના હુમલા બાદ નેતન્યાહૂએ લેબેનોનના લોકોને એક સંદેશ જારી લોકોને તેમના ઓપરેશનમાં દખલ ન કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, લોકો વચ્ચે ન પડે કેમ કે, અમારી લડાઈ હિઝબુલ્લાહ સાથે છે. અમારી લડાઇ તમારી સાથે નથી. ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પાસે રહેતા લોકોને તાત્કાલિક ઘર છોડી દેવાની ચેતવણી આપી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, આઈડીએફના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી લેબનીઝ નાગરિકોને જોખમી વિસ્તારથી દૂર ખસી જવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઈઝરાયલી સેના હિઝબુલ્લાહ સામે વધુ ઘાતક હુમલાઓ કરવા જઈ રહી છે.

