નવી દિલ્હી, તા. 20 : દિલ્હી શરાબ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલી જામીન અરજી અંગે રાઉઝ એવેન્યુ કોર્ટે ગુરુવારે હાથ ધરેલી સુનાવણીમાં કેજરીવાલ અને ઈડીની દલીલો સાંભળ્યા બાદ એક લાખના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા હતા અને જરૂર પડયે હાજર થવા જણાવ્યું હતું. જો કે, ઈડીએ વિરોધ માટે 48 કલાકનો સમય માગ્યો હતો, જે કોર્ટે નકાર્યો હતો. હવે ઈડી કેજરીવાલની મુક્તિ પહેલાં જામીન નામંજૂર કરવાવા દિલ્હી હાઈકોર્ટમાં જાય તેવી સંભાવના છે.

એક મીડિયા હેવાલ મુજબ, ન્યાયાધીશ ન્યાય બિંદુએ સતત બે દિવસ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કેજરીવાલ વતી ધારાશાત્રી વિક્રમ ચૌધરીએ દલીલ કરી હતી કે, કેજરીવાલ વિરુદ્ધનો આ કેસ ઈડીએ કાલ્પનિક રીતે ઉપજાવી કાઢ્યો છે અને માત્રા નિવેદનો પર આધારિત છે. તે ઉપરાંત વધુ નિવેદનો સામે આવી શકે છે. ઈડી વતી એડિશનલ સોલિસીટર જનરલ એસવી રાજૂએ દલીલ કરી હતી કે, ઈડીએ હવામાં તપાસ નથી કરી, કેજરીવાલ વિરુદ્ધ આધારભૂત પુરાવા છે તેથી તેમને જામીન ન મળવા જોઈએ તેવી અપીલ કરી હતી. નોંધનીય છે કે, કેજરીવાલની 21 માર્ચના ધરપકડ કરાઈ હતી અને 1 એપ્રિલના તિહાર જેલ મોકલાયા હતા અને 21 દિવસના અંતરિમ જામીન મળ્યા બાદ પરત જેલમાં મોકલાયા હતા. હવે આપનેતાને જામીન મળતાં આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ છવાયો હતો.

