Israel Super Ice Cruise Missile: ઇઝરાયલે રજૂ કરી નવી ‘સુપર આઇસ’ ક્રૂઝ મિસાઇલ, 500 કિલો વોરહેડ સાથે હવા, પાણી અને જમીન પરથી હુમલો કરવાની ક્ષમતા

Arati Parmar
4 Min Read
Israel Super Ice Cruise Missile

Israel Super Ice Cruise Missile: ઇઝરાયેલી સંરક્ષણ કંપની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સે બુધવારે પોતાની નવી સુપર આઇસ ક્રૂઝ મિસાઇલ રજૂ કરી છે. આ તેની આઇસબ્રેકર મિસાઇલ શ્રેણીનું નવું શસ્ત્ર છે, જેને ભવિષ્યનાં યુદ્ધોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ મિસાઇલ તેના અગાઉના સંસ્કરણો કરતાં ચાર ગણા મોટા વોરહેડને લઈ જઈ શકે છે. વધુ વજનનો વોરહેડ હોવા છતાં તે વધુ ઝડપે અને લાંબા અંતર સુધી દુશ્મન પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, જે તેને વધુ વિનાશક બનાવે છે.

‘સુપર આઇસ’ મિસાઇલની વિશેષતાઓ

  • રાફેલે જણાવ્યું કે નવી મિસાઇલને વિમાન, મિસાઇલ બોટ અને જમીન પર આવેલા પ્લેટફોર્મ પરથી એટલે કે હવા, પાણી અને જમીન એમ ત્રણેય સ્થળેથી છોડવામાં આવી શકે છે.

  • તેની ચોકસાઈ અદ્યતન ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ માર્ગદર્શન પ્રણાલી પર આધારિત છે, જે ઉચ્ચ ચોકસાઈ ધરાવતી ઇમેજ-મેચિંગ ટેક્નિકનો ઉપયોગ કરે છે.

  • તે આશરે 1,000 પાઉન્ડ (લગભગ 500 કિલો)નો વોરહેડ લઈ જઈ શકે છે. અગાઉના 250 પાઉન્ડના વોરહેડની સરખામણીમાં આ ચાર ગણો વધુ છે.

  • સુપર આઇસને ઇઝરાયલનાં તમામ મુખ્ય લડાકુ વિમાનો F-35, F-16 અને F-15 પરથી છોડી શકાય છે.

     

- Advertisement -

ઇઝરાયલની નવી મિસાઇલની મારક ક્ષમતા

રાફેલે સુપર આઇસની મારક ક્ષમતા અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ આઇસબ્રેકર મિસાઇલની મારક ક્ષમતા 300 કિલોમીટરથી વધુ હતી. આવી સ્થિતિમાં અંદાજ લગાવી શકાય છે કે આ નવી મિસાઇલની મારક ક્ષમતા તેનાથી વધુ હશે. ઇઝરાયેલી સંરક્ષણ કંપનીએ મિસાઇલની ઝડપનો પણ ખુલાસો કર્યો નથી, પરંતુ આઇસબ્રેકર શ્રેણીની મિસાઇલોની ઝડપ 0.8થી 0.9 મેક (લગભગ 1,000 કિલોમીટર પ્રતિ કલાક) છે. આવી સ્થિતિમાં સુપર આઇસની ઝડપ તેનાથી વધુ જ હશે.

સુપર આઇસ મિસાઇલ શા માટે ઘાતક છે?

સુપર આઇસ જેવી ક્રૂઝ મિસાઇલો હલકી, ઓછી ઊંચાઈએ ઉડતી અને સ્વાયત્ત શસ્ત્ર પ્રણાલી ધરાવતી હોય છે. દુશ્મનને તેના વિશે જાણ થાય ત્યાં સુધીમાં તે લક્ષ્યની એકદમ નજીક પહોંચી ચૂકી હોય છે. તેના કારણે દુશ્મનને બચાવ કરવાની કોઈ તક મળતી નથી.

- Advertisement -

રાફેલે આઇસબ્રેકર મિસાઇલને પહેલીવાર વર્ષ 2021માં રજૂ કરી હતી. કંપનીએ વર્ષ 2023 સુધીમાં માત્ર બે વર્ષમાં 1 અબજ ડૉલરથી વધુનું વેચાણ કર્યું હતું. વર્ષ 2024માં તેને 1,000થી વધુ મિસાઇલોના ઑર્ડર મળ્યા હતા. રાફેલે સુપર આઇસ મિસાઇલનો ઑર્ડર આપવામાં આવ્યો છે કે નહીં તે અંગે કોઈ માહિતી આપી નથી. શું તેનો ઉપયોગ પહેલેથી જ થઈ રહ્યો છે અને શું ઇઝરાયેલી સેના પણ તેના ગ્રાહકોમાં સામેલ છે?

ઈરાને મિસાઇલની મારક ક્ષમતા પરનો પ્રતિબંધ હટાવ્યો

ઇઝરાયલે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે તે ઈરાન સાથે સંભવિત નવા સંઘર્ષની તૈયારી કરી રહ્યું છે. સંરક્ષણ યોજનાઓમાં લાંબા અંતર સુધી ચોક્કસ હુમલો કરી શકે તેવા શસ્ત્રોનું મહત્ત્વ વધી રહ્યું છે. તાજેતરમાં ઈરાને પોતાની મિસાઇલો પરની 2,000 કિલોમીટરની મર્યાદા હટાવવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ ઈરાને પોતે જ લગાવ્યો હતો. તેના હેઠળ તેહરાને નક્કી કર્યું હતું કે તે પોતાની મિસાઇલોની મારક ક્ષમતા 2,000 કિલોમીટરથી વધુ નહીં રાખે.

- Advertisement -
Share This Article