Modi Putin Xi meeting: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO સમિટ) દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને વચ્ચે ખાસ બેઠક પણ થઈ હતી. જોકે, અમેરિકાને આ મીટિંગથી તકલીફ થઈ રહી છે. ટ્રમ્પને ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારતે અમેરિકાની સાથે રહેવું જોઈએ, ન કે રશિયા સાથે.
ભારતે અમેરિકા સાથે રહેવું જોઈએઃ નવારો
એક અહેવાસ અનુસાર, પીટર નવારોએ કહ્યું કે, ‘ભારતે અમારી સાથે રહેવું જોઈએ, ન કે રશિયા સાથે. વડાપ્રધાન મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ પુતિન સાથે કામ કરી રહ્યા છે, આ યોગ્ય નથી.’
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી એસસીઓ સમિટ દરમિયાન જિનપિંગ સાથે જોવા મળ્યા હતા. વળી, પુતિન પણ મોદી સાથે જોવા મળ્યા હતા. આ બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જોકે, આ મામલે અમેરિકા નારાજ થઈ ગયું છે.
ભારત પર કેમ લગાવ્યો વધારાનો ટેરિફ?
પીટર નવારોએ ભારત પર વધારાના ટેરિફ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘ભારત સાથે બે પ્રકારની તકલીફ છે અને આ જ કારણે ટેરિફ લગાવવામાં આવ્યો છે. પહેલું તે અનફેર ટ્રેડ કરે છે. જેના કારણે 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો અને બીજું રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીે છે. આ કારણે પણ 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યું છે.’
અમેરિકાએ યુક્રેન યુદ્ધને લઈને ભારત પર લગાવ્યો આરોપ
નવારોએ કહ્યું કે, ભારત, યુક્રેન યુદ્ધને વધારી રહ્યું છે. તેમણે કહ્યું કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે અને રશિયા પોતાની કમાણી યુદ્ધમાં લગાવી રહ્યું છે. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે મહીનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ, હજુ સુધી આ મામલે કોઈ સમાધાન નથી થઈ શક્યું. પ્રમુખ ટ્રમ્પ તરફથી પણ આ અંગે પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમણે પુતિન અને ઝેલેન્સ્કી સાથે બેઠક કરી હતી.