Putin statement at SCO summit: SCO સમિટમાં પુતિનનો મોટો સંદેશ: ભારત-ચીનની પ્રશંસા સાથે યુક્રેન સત્તાપલટા પર કડક ટિપ્પણી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Putin statement at SCO summit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં યુક્રેન યુદ્ધ, ભારત-ચીનના શાંતિ પ્રયાસો અને અલાસ્કા સમિટ સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા અને ભારત તથા ચીનના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી. પુતિન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે.

યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા

- Advertisement -

પુતિને SCO બેઠકને સંબોધતા કહ્યું કે, ‘યુક્રેન સંકટની શરૂઆત રશિયાના હુમલાને કારણે થઈ નથી, પરંતુ પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનમાં કરાયેલા બળવાને કારણે થઈ છે. રશિયા એ સિદ્ધાંતનું પાલન કરે છે કે કોઈ પણ દેશ પોતાની સુરક્ષા બીજા દેશના ભોગે સુનિશ્ચિત ન કરી શકે. આ યુદ્ધનું એક કારણ યુક્રેનને નાટોમાં સામેલ કરવાનો પશ્ચિમી દેશોનો પ્રયાસ છે.’

ભારત અને ચીનના શાંતિ પ્રયાસોની પ્રશંસા

- Advertisement -

પુતિને યુક્રેન સંકટને ઉકેલવા માટે ભારત અને ચીન દ્વારા થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘યુક્રેન સંકટના મૂળ કારણોનું સમાધાન થવું જોઈએ અને સુરક્ષાનું સંતુલન સ્થાપિત થવું જોઈએ.’

અલાસ્કા સમિટને સકારાત્મક ગણાવી

- Advertisement -

રશિયન રાષ્ટ્રપતિએ 15 ઓગસ્ટે અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ બેઠકના પરિણામો અંગે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય નેતાઓ સાથે પણ ચર્ચા કરી છે. પુતિને જણાવ્યું કે ટ્રમ્પ સાથે અલાસ્કા સમિટમાં બનેલી સહમતિ યુક્રેનમાં શાંતિનો માર્ગ ખોલે છે.

પુતિન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક

આજે પુતિન અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. સમિટની શરૂઆત પહેલા મોદી અને પુતિન એકબીજાને ઉષ્માભેર મળ્યા હતા. મોદીએ X પર લખ્યું, ‘રાષ્ટ્રપતિ પુતિન સાથે મળીને હંમેશા આનંદ થાય છે.’ તેમણે પુતિન સાથે કારમાં બેઠેલી એક તસવીર પણ શેર કરી, જેમાં તેમણે લખ્યું, ‘હું પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકના સ્થળે જઈ રહ્યો છું. તેમની સાથે વાતચીત હંમેશા સારી હોય છે.’

Share This Article