SCO Summit: શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) એ સોમવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને ભારતના વલણ સાથે સંમત થયા કે આતંકવાદ સામેની લડાઈમાં કોઈપણ પ્રકારના ‘બેવડા ધોરણો’ સ્વીકારી શકાય નહીં. SCO સંયુક્ત ઘોષણામાં તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરવામાં આવી. આ ઘોષણા ચીનના દરિયાકાંઠાના શહેર તિયાનજિનમાં બે દિવસીય વાર્ષિક શિખર સંમેલનના અંતે જારી કરવામાં આવી હતી. આ પરિષદમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય ઘણા વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી.
SCO સભ્ય દેશોએ ઇઝરાયલ દ્વારા ગાઝા પરના હુમલાઓની પણ નિંદા કરી, કારણ કે આ હુમલાઓમાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે અને ગાઝા પટ્ટીમાં ગંભીર માનવતાવાદી કટોકટી ઉભી થઈ છે. સંયુક્ત ઘોષણામાં પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવાના પગલાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આતંકવાદ સામે લડવાને એક મોટો પડકાર ગણાવ્યો છે.
ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે, સભ્ય દેશોએ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. SCO સભ્ય દેશોએ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ખુજદાર અને જાફર એક્સપ્રેસ પર થયેલા આતંકવાદી હુમલાઓની પણ નિંદા કરી છે. ઘોષણામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ (સભ્ય દેશો) મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા હુમલાઓના ગુનેગારો, આયોજનકારો અને સમર્થકોને સજા મળવી જોઈએ.
SCO એ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે પોતાની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને ભાર મૂક્યો કે આ તત્વોનો ઉપયોગ વ્યક્તિગત હિતો માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે સભ્ય દેશો માને છે કે આતંકવાદ અને ઉગ્રવાદના જોખમોનો સામનો કરવામાં સાર્વભૌમ દેશો અને તેમની સક્ષમ એજન્સીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે.
‘સભ્ય દેશો આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરે છે અને ભાર મૂકે છે કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં. તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ, ખાસ કરીને સરહદ પારના આતંકવાદ સામે સંયુક્ત પગલાં લેવા હાકલ કરે છે.’ SCO એ એમ પણ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બધા દેશોએ તમામ આતંકવાદી સંગઠનો સામે સંયુક્ત કાર્યવાહી કરવા માટે UN સુરક્ષા પરિષદના ઠરાવો અને વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાનો સંપૂર્ણ અમલ કરવો જોઈએ.
‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ નો સંદેશ પુનરોચ્ચાર કરવામાં આવ્યો
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ઘોષણા ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ ના સંદેશને પુનરોચ્ચારિત કરે છે. સભ્ય દેશોએ 3 થી 5 એપ્રિલ 2025 દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત 5મા SCO સ્ટાર્ટઅપ ફોરમના પરિણામોનું સ્વાગત કર્યું, જેનાથી વિજ્ઞાન, ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગ વધુ ગાઢ બન્યો છે. સભ્ય દેશોએ 21-22 મે 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 20મી SCO થિંક ટેન્ક ફોરમની બેઠકને પણ મહત્વપૂર્ણ ગણાવી. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) હેઠળ કાર્યરત SCO સ્ટડી સેન્ટરની પણ પ્રશંસા કરી, જેણે સાંસ્કૃતિક અને માનવતાવાદી આદાનપ્રદાનને મજબૂત બનાવ્યું છે.