ગાઝાનાં સમર્થનમાં તમામ મુસ્લિમ દેશો એકજૂટ થઇ ગયા?છે.

newzcafe
2 Min Read

ઇઝરાયલ સામે દેખાવો કરતા ગાઝાની પડખે રહેલા મુસ્લિમ દેશો


ઇઝરાયલ સામે દેખાવો કરતા ગાઝાની પડખે રહેલા મુસ્લિમ દેશો 


નવી દિલ્હી, તા. 19 : ગાઝાનાં સમર્થનમાં  તમામ મુસ્લિમ દેશો એકજૂટ થઇ ગયા?છે.  વેસ્ટ બેન્કથી માંડીને ઇજિપ્તની રાજધાની કૈરો સુધી ગાઝામાં બોમ્બ હુમલા બદલ ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શનો થઇ રહ્યા છે. સાતમી ઓક્ટોબરના દિવસે ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદન અને ભારતના સત્તાવાર નિવેદનમાં અંતર મુદ્દે આરબ દેશોએ સવાલો ખડા કર્યા છે. સંકટના સમયમાં ઇઝરાયલની સાથે હોવાના મોદીનાં નિવેદનના પાંચ દિવસ બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારત આઝાદ અને સંપ્રભુ પેલેસ્ટાઇનના પક્ષમાં છે. દરમ્યાન આતંકવાદી સંગઠન હમાસના પ્રવકતા ઓસામા હમદાને કહ્યું હતું કે, ઇઝરાયલ ગાઝામાં પાણી, વીજળીની સાથોસાથ અનાજ અને દવાનો પુરવઠો પણ બંધ કરી દીધો છે. આ યુદ્ધ અપરાધ છે. હમાસના પ્રવકતાએ ભારતને મદદ કરવાની અપીલ પણ કરી હતી. સાઉદી અરેબિયાએ ગાઝાની અહલી-અરબ હોસ્પિટલ પર હુમલાને ઇઝરાયલનું જઘન્ય કૃત્ય ગણાવ્યું હતું. તો ઇઝરાયલ સાથે સારા સંબંધો ધરાવતા યુએઇ અને બહેરીનને પણ ટીકા કરવી પડી. વર્ષ 1980માં ઇઝરાયલને દેશ તરીકે માન્યતા આપી ચૂકેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલફતહ અલ સીસીએ કહ્યું હતું કે, હોસ્પિટલો પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરાયો છે. અરબ લીગના અધ્યક્ષ અહમદ અબુલઇતે કહ્યું હતું કે, કોઇ શેતાની માનસિકતા જ હોસ્પિટલો પર હુમલા કરાવી શકે. કતરે ઇઝરાયલના હુમલાને નરસંહાર લેખાવ્યો છે, તો ઇરાકની રાજધાની બગદાદમાં ગાઝા હોસ્પિટલ પર હુમલાના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી પડયા હતા. ઇરાકની સરકારે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ગાઝામાં નિર્દોષોની હત્યા રોકાવવાની અપીલ કરી છે. ઇરાનના સુપ્રીમ લીડરે કહ્યું કે, એકવાર મુસ્લિમ દેશોના લોકો ગુસ્સે ભરાઇને આગળ વધશે તો તેમને કોઇ રોકી નહીં શકે. દરમ્યાન, તુર્કીમાં પણ પ્રદર્શનકારીઓએ ઇઝરાયલના દૂતાવાસમાં ઘૂસવાની કોશિશ કરી હતી. જો કે, પોલીસે રોકી દીધા હતા. લેબેનોનની રાજધાની બૈરૂતમાં પણ તેવી જ સ્થિતિ સર્જાઇ હતી. લેબેનોનમાં દેખાવકારોએ અમેરિકાના દૂતાવાસને ઘેરી લીધો હતો. પોલીસે રોકવાના પ્રયાસ કરતાં પથ્થરબાજી શરૂ કરી દેવાઇ હતી. 2020ના વર્ષમાં ઇઝરાયલ સાથે સંબંધ સારા કરનાર મોરોક્કોના 23 શહેરમાં હોસ્પિટલ પર હુમલા સામે દેખાવો થયા હતા.

Share This Article