અરાકાન આર્મીના જણાવ્યા અનુસાર સ્થાનિક બજાર પાસે ફાઇટર જેટે બે બોમ્બ ફેંક્યા, 22 ઘાયલોની સ્થિતિ ગંભીર
Myanmar Military Air Strike: મ્યાનમારની જુન્ટા સેનાએ બળવાખોરોના કબજા હેઠળના રાખાઈન રાજ્યમાં હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 49 લોકોના મોત થઈ ગયા અને 58થી વધુ ઘાયલ થયા છે. મ્યાનમારની સેનાએ આ હવાઈ હુમલો એક બજાર પાસે કર્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવ્યા. પશ્ચિમી રાખાઈન રાજ્યમાં આ હુમલો મ્યાનમારમાં લોકશાહી સમર્થક બળવાખોર જૂથો અને વંશીય સશસ્ત્ર જૂથો વિરુદ્ધ કરવામાં આવી રહેલા ઘાતક હવાઈ હુમલાઓની શ્રેણીની સૌથી તાજેતરની ઘટના છે.
AP અનુસાર, સોમવારનો હુમલો ક્યાઉક્તાવ ટાઉનશિપમાં કરવામાં આવ્યો. આ સ્થળ દેશના બીજા સૌથી મોટા શહેર મંડાલેથી લગભગ 340 કિલોમીટર (210 માઇલ) પશ્ચિમમાં છે. અરાકાન આર્મીએ આ માહિતી આપી છે, જે રાખાઈન સ્થિત એક શક્તિશાળી વંશીય સશસ્ત્ર જૂથ છે અને ક્યાઉક્તાવ પર મજબૂત નિયંત્રણ જાળવી રાખે છે. સેના તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
અરાકાન આર્મીએ શું જણાવ્યું
હુમલા વિશે અરાકાન આર્મીએ મંગળવારે સવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે એક ફાઇટર જેટે બપોરના સમયે એક સ્થાનિક માર્કેટ પાસે બે બોમ્બ ફેંક્યા. તેના કારણે વેન્ડર, ખરીદદારો અને સામાન્ય લોકો તેની ઝપેટમાં આવ્યા. જૂથે કહ્યું કે હુમલામાં જે 58 લોકો ઘાયલ થયા છે, તેમાં 22ની સ્થિતિ ગંભીર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂથ તેમના વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરશે, જેઓ જાણી જોઈને કરવામાં આવેલા હવાઈ હુમલાઓ માટે સીધી રીતે જવાબદાર છે.
રાખાઈનમાં બચાવ કાર્ય સાથે જોડાયેલા એક સિનિયર અધિકારી વાઈ હુન આંગે APને જણાવ્યું કે આ માર્કેટ વિસ્તારનું મુખ્ય જથ્થાબંધ કેન્દ્ર હતું, જ્યાં સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ અને ખરીદદારો આવે છે. આ રાખાઈનમાં થયેલા સૌથી ભીષણ હવાઈ હુમલાઓમાંથી એક છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં ઇમારતો સળગતી, વાહનો ક્ષતિગ્રસ્ત અને નજીકના એક પુલનો કેટલોક ભાગ તૂટેલો જોવા મળ્યો છે.
મ્યાનમારમાં ગૃહયુદ્ધ
મ્યાનમારમાં ફેબ્રુઆરી, 2021માં સેનાએ આંગ સાન સૂ ચીની સરકારનું તખ્તાપલટ કરીને સત્તા છીનવી લીધા બાદથી જ મ્યાનમારમાં અશાંતિ ફેલાયેલી છે. ઘણા સંગઠનો અને સશસ્ત્ર જૂથો તેનો વિરોધ કરી રહ્યા છે અને ઘણા વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે. જુન્ટા સેનાએ તેમને બળપ્રયોગથી દબાવવાનો પ્રયાસ કર્યો છે. આના કારણે દેશના મોટા ભાગમાં સંઘર્ષ અને ગૃહયુદ્ધ શરૂ થયું છે.
સેનાને ટક્કર આપતું એક મહત્વપૂર્ણ જૂથ અરાકાન આર્મી (AA) છે. AA પ્રશિક્ષિત અને હથિયારોથી સજ્જ સૈન્ય વિંગ છે, જે મ્યાનમારની કેન્દ્રીય સરકાર પાસેથી રાખાઈનના વંશીય લઘુમતીઓ માટે સ્વાયત્તતાની માંગ કરી રહ્યું છે. તેણે નવેમ્બર 2023માં રાખાઈનમાં અભિયાન શરૂ કર્યું અને ત્યારથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રાદેશિક સૈન્ય મુખ્યાલય અને રાજ્યના 17 ટાઉનશિપમાંથી 14 પર કબજો કરી લીધો છે.

