વોશિંગ્ટન, તા. 7 : અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો બાદ કમલા હેરિસે પોતાની હાર સ્વીકારી હતી. પરિણામો બાદ ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સમર્થકોને સંબોધતાં કહ્યું હતું કે, `હું ચૂંટણીમાં થયેલી હારનો સ્વીકાર કરું છું, પરંતુ લડાઇ અને અભિયાનમાં હું હજી હારી નથી.’
બીજી તરફ ઐતિહાસિક વિજય બાદ રિપબ્લિકન પાર્ટીએ કેબિનેટ નિમણૂકો માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ જો બાયડને શાંતિપૂર્વકની સત્તા હસ્તાંતરણની ખાતરી ઉચારી હતી. ભારતીય મૂળના બોબી જિંદાલ, નિક્કી હેલી, તુલસી ગાબાર્ડને મહત્ત્વની ભૂમિકા મળી શકે તેવી અટકળો છે.
હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પને જીતની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, લોકોમાં સમાનતા, સ્વતંત્રતા તથા ગરિમા માટે સંઘર્ષ જારી રહેશે. તેમણે સમર્થકોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે, અંધારું ગાઢ હશે ત્યારે જ તારાઓ ચમકશે. આ માત્ર ચૂંટણીની હાર નથી, પરંતુ તેમના મિશનનો ભાગ છે. તેમણે સમર્થકોને `ફાઇટ ઓન’ના સંદેશ સાથે આગળ વધવા પ્રેરિત કરતાં કહ્યું કે, મેં કદી વિચાર્યું ન હતું કે અમેરિકાના મોટા પક્ષમાં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનીશ.
દેશના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકતંત્રના સિદ્ધાંતોને માન્યતા આપે અને ચૂંટણીનાં પરિણામોનો સ્વીકાર કરે. અમેરિકાના લોકતંત્રનો આ મૂળ સિદ્ધાંત છે. જ્યારે આપણે પરાજિત થઇએ છીએ તો પરિણામોનો સ્વીકાર કરવો જોઇએ. યુવાઓને વધુ પરિશ્રમ કરવા તેમણે અપીલ કરી હતી.

