`અગ્નિપરીક્ષા’માં નિષ્ફળ રહેતાં નેપાળના વડાપ્રધાન પ્રચંડનું રાજીનામું

Reena Brahmbhatt
1 Min Read

કાઠમંડુ, તા. 12 : બહુમતની `અગ્નિપરીક્ષા’માં નિષ્ફળ રહેતાં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડે શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. હવે ચીન સમર્થક કે.પી. શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બની શકે છે. બહુમત પરીક્ષણમાં પ્રચંડને 275માંથી માત્ર 63 સાંસદનો સાથ મળ્યો. નેપાળની નેશનલ એસેમ્બલીના 194 સાંસદે પુષ્પકમલ દહલના વિરોધમાં મત આપ્યો હતો. હકીકતમાં ચાલુ મહિનાની શરૂઆતમાં નેપાળના બીજા સૌથી મોટા અને ચીન સમર્થક ઓલીના પક્ષ સીપીએન-યુએમએલ દ્વારા પ્રચંડના પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ સાથે જોડાણ તોડવાનો ફેંસલો કર્યો હતો. ત્યારબાદ નેપાળના બંધારણની કલમ 100 (2) હેઠળ પ્રચંડે બહુમત સાબિત કરવાનો હતો.
modi with prachanda

બળાબળના પારખાંમાં આજે નિષ્ફળ જતાં તેમણે પદ છોડી દીધું હતું. હવે ઓલીના પક્ષે દેશના સૌથી મોટા પક્ષ નેપાળ કોંગ્રેસ સાથે જોડાણ કરવાનો ફેંસલો કર્યો છે. ચાર મહિના પહેલાં જ ઓલીએ પ્રચંડની સરકારને સમર્થન આપ્યું હતું. તે વખતે પ્રચંડે શેર બહાદૂર દેઉબાના પક્ષ નેપાળી કોંગ્રેસ સાથે જોડાણ તોડી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેઉબા ભારત સમર્થક મનાય છે અને ઓલી ચીન સમર્થક મનાય છે. હવે ઓલીના પક્ષે ભારત સમર્થક દેઉબાના પક્ષ નેપાળી કોંગ્રેસ સાથે હાથ મિલાવવાનો ફેંસલો કર્યો છે. એટલે ઓલી નવા વડાપ્રધાન થઈ શકે છે.

- Advertisement -
Share This Article