Pope Francis passes away: ખ્રિસ્તી સમુદાયના સૌથી મોટા ધર્મ ગુરૂ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયુ છે. લાંબા સમયથી તેઓ ડબલ નિમોનિયા અને કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. વેટિકન કેથોલિક ચર્ચ હવે ખ્રિસ્તી ધર્મના ગુરૂ પસંદ કરવા એક પ્રક્રિયાનું પાલન કરે છે. જેમાં પોપના નિધન તથા તેમની નિષ્ક્રિયતાના કિસ્સામાં વેટિકનના સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પિએત્રો પારોલિન નવા પોપની પસંદગી સુધી ચર્ચના દૈનિક કાર્યોનું મેનેજમેન્ટ કરશે.
બે ભારતીય કાર્ડિનલ્સ વોટિંગ કરશે
આગામી પોપની પસંદગીમાં બે ભારતીય કાર્ડિનલને મત આપવાનો અધિકાર છે. જેથી આ મહત્ત્વપૂર્ણ નિર્ણય પ્રક્રિયામાં ભારતની ઉપસ્થિતિ મહત્ત્વપૂર્ણ બનશે. 79 વર્ષીય કાર્ડિનલ જ્યોર્જ એલેન્ચરી સાયરો મલાબાર કેથોલિક ચર્ચના પ્રમુખ આર્કબિશપ છે. જે ભારતના સૌથી મોટા કેથોલિક સમુદાયો પૈકી એક છે. જો કે, તેઓ 19 એપ્રિલ, 2025ના રોજ 80 વર્ષના થતાં મત આપવાનો અધિકાર ગુમાવશે. 51 વર્ષીય કાર્ડિનલ જ્યોર્જ કુવાકડની ગત ડિસેમ્બરમાં કાર્ડિનલ્સની કોલેજમાં નિમણૂક થઈ હતી. ઉલ્લેખનીય છે, રોમન કેથોલિક ચર્ચના ઉચ્ચ સ્તરીય પાદરીને કાર્ડિનલ કહેવામાં આવે છે. એલેન્ચેરીની સામે કૂવાકડ એક વેટિકન રાજદ્વારી છે. અને આંતરધાર્મિક સંવાદના પ્રમુખ છે. જે પોપની મુલાકાત અને વૈશ્વિક ધાર્મિક નેતાઓ સાથે સંબંધોની જવાબદારી નિભાવે છે.
આગામી પોપની ચૂંટણી પર વૈશ્વિક અસર
પોપની ચૂંટણી માટે મતદાનમાં ભારતીય કાર્ડિનલ્સ ભાગ લેશે, પરંતુ કોલેજ ઓફ કાર્ડિનલ્સમાં 120થી વધુ મતદારો છે. આ વિશ્વના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. યુરોપની પાસે સૌથી વધુ વોટ બેન્ક છે. આ કારણોસર પોપની પસંદગીમાં યુરોપ સૌથી પ્રભાવશાળી સ્થળ બને છે. જોકે, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશો વધુ પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે. તેઓ દલીલ કરે છે કે આ વિસ્તારોમાં કેથોલિક ધર્મ સૌથી ઝડપથી વધી રહ્યો છે. જ્યાં સુધી એશિયાનો સવાલ છે, ત્યાં સુધી બિન-પશ્ચિમી સમાજોમાં ખ્રિસ્તી ધર્મનો વિકાસ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આપણે એવા નેતા શોધવા પડશે જે વૈશ્વિક ધાર્મિક વિવિધતાને સમજે. 2013માં ચૂંટાયેલા પોપ ફ્રાન્સિસ પોતે લેટિન અમેરિકામાંથી ચૂંટાયેલા પ્રથમ પોપ હતા.
પોપની પસંદગીની પ્રક્રિયા
પોપની પસંદગી એક મોટી પ્રક્રિયા દ્વારા થાય છે. આ માટે, પહેલા કાર્ડિનલ્સની બેઠક થશે. પોપના અવસાન પછી, 80 વર્ષથી ઓછી ઉંમરના બધા કાર્ડિનલ્સ વેટિકન સિટીમાં ભેગા થશે. તેઓ ચૂંટણી પ્રક્રિયા યોજે છે. ત્યારબાદ, મતદારો સિસ્ટિન ચેપલમાં પ્રવેશે છે અને ગુપ્તતાના શપથ લે છે. બાદમાં બાહ્ય સંપર્ક કાપી મત આપે છે.
ત્રીજા તબક્કામાં દરેક કાર્ડિનલ બેલેટ પેપર પર પોતાના મનપસંદ પોપનું નામ લખે છે. જીતવા માટે, ઉમેદવારને બે તૃતીયાંશ બહુમતી મેળવવી આવશ્યક છે. ચોથા તબક્કામાં, મતદાનના દરેક રાઉન્ડ બાદ બેલેટ પેપરને બાળી નાખવામાં આવે છે. કાળો ધુમાડો સૂચવે છે કે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે સફેદ ધુમાડો સૂચવે છે કે નવા પોપ ચૂંટાયા છે. પાંચમા તબક્કામાં, નવા પોપનું નામ જાહેર કરવામાં આવે છે. સેન્ટ પીટર બેસિલિકાની બાલ્કનીમાં એક વરિષ્ઠ કાર્ડિનલ દેખાય છે અને “હાબેમુસ પાપમ” (આપણી પાસે પોપ છે)ની જાહેરાત કરે છે.