Russia Ukraine Kharkiv Missile Strike: યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં શનિવારે રશિયાના મિસાઈલ હુમલામાં સાત લોકોના મોત થયા છે. આ હુમલો એક પાંચ માળની રહેણાંક ઇમારત પર કરવામાં આવ્યો હતો. ઇમારત પર થયેલા એટેકમાં સાત મોતના સમાચાર ઉપરાંત ત્રણ બાળકો સહિત અન્ય 10 લોકો ઘાયલ થયા છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હુમલાની નિંદા કરતા વૈશ્વિક જગત પાસે રશિયા પર દબાણ લાવવાની માંગ કરી છે.
ઝેલેન્સ્કીએ શનિવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે રશિયાએ રાતભરમાં યુક્રેન પર 29 મિસાઈલો અને 480 ડ્રોનથી હુમલો કર્યો. આમાં કીવ અને અન્ય મધ્ય વિસ્તારોમાં ઉર્જા સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. એર ડિફેન્સે 19 મિસાઈલ અને 453 ડ્રોનને તોડી પાડ્યા, જ્યારે નવ મિસાઈલ અને 26 હુમલાખોર ડ્રોન દ્વારા 22 સ્થળો પર હુમલા નોંધાયા છે.
કાટમાળમાંથી લોકોને કાઢવાના પ્રયાસો
યુક્રેનના ઉત્તર-પૂર્વી ભાગમાં સ્થિત ખારકીવમાં ઇમરજન્સી કર્મચારીઓ કાટમાળમાં જીવિત બચેલા લોકોની શોધ કરી રહ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, કીવ વિસ્તારમાં ત્રણ જિલ્લાઓમાં કાટમાળથી નુકસાનના અહેવાલ મળ્યા છે. દક્ષિણ ઓડેસા વિસ્તારમાં ડ્રોન હુમલા બાદ પાયાની સુવિધાઓમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 80 ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા.
યુક્રેનની સરકારી રેલ સંચાલક કંપની, ઉક્રજાલિઝ્નિત્સિયાએ જણાવ્યું કે રેલ માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનને કારણે દેશના મધ્ય-પશ્ચિમમાં અનેક રૂટમાં ફેરફાર કરવો પડ્યો હતો. ઝેલેન્સ્કીએ એક્સ (X) પર પોતાની એક પોસ્ટમાં કહ્યું કે જીવન વિરુદ્ધના આ અસભ્ય હુમલાઓનો ભાગીદારો તરફથી જવાબ મળવો જોઈએ.”
વોલોદિમીર ઝેલેન્સ્કીએ વ્યક્ત કર્યો રોષ
ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ યુક્રેનના રહેણાંક અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નષ્ટ કરવાના પોતાના પ્રયાસો છોડ્યા નથી, તેથી સમર્થન ચાલુ રાખવું આવશ્યક છે. અમે અમારા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુરોપિયન યુનિયન સાથે સક્રિય સહયોગ પર ભરોસો રાખીએ છીએ. અમારી સુરક્ષાને મજબૂત કરવામાં મદદ કરનારા તમામ લોકોનો હું આભારી છું.

