Sri Lanka Energy Security 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ઉર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારતે ડીઝલ અને પેટ્રોલ મોકલીને શ્રીલંકાની મદદ કરી છે. આ બધાની વચ્ચે શ્રીલંકાના ત્રિંકોમાલીમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બનેલા ઓઈલ ટેન્ક ફાર્મ હેડલાઇન્સમાં આવ્યા છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે તેને દેશના ઉર્જા સંકટનો એકમાત્ર ભરોસાપાત્ર અને લાંબા ગાળાનો ઉકેલ ગણાવ્યો છે.
હેરાથે ૨૧ માર્ચના રોજ ભારતીય મીડિયા આઉટલેટ ‘ધ હિન્દુ’ સાથે વાત કરી હતી. તે દરમિયાન તેમણે ઉર્જા સંકટ અંગે કહ્યું હતું કે આપણને તેલના સંગ્રહ અને વિતરણ સાથે કામ કરવા માટે લાંબા ગાળાની વ્યૂહરચનાની જરૂર છે. તેમણે ભારત અને UAE સાથેના સમજૂતી કરાર (MoU) નો ઉલ્લેખ કર્યો. આ સમજૂતી એપ્રિલ ૨૦૨૫ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલંબો મુલાકાત દરમિયાન થઈ હતી.
ભારત અને UAE કરશે ઓઈલ ટેન્કનો વિકાસ
આ સમજૂતી હેઠળ ભારત, શ્રીલંકા અને સંયુક્ત આરબ અમીરાતે ત્રિંકોમાલીને પ્રાદેશિક ઉર્જા હબ તરીકે વિકસાવવા પર સહમતિ દર્શાવી હતી. આ સમજૂતીમાં ટેન્ક ફાર્મને આધુનિક બનાવવા અને તેલ શુદ્ધિકરણ તથા વિતરણ માટે નવું માળખું સ્થાપિત કરવાની યોજનાઓ સામેલ હતી. ત્રિંકોમાલી પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા પર એવા સમયે ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે શ્રીલંકાની ઈંધણની સ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. જોકે, શ્રીલંકા હોર્મુઝની સામુદ્રધુની દ્વારા સીધું તેલ આયાત કરતું નથી, તેના સ્ત્રોત ભારત, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોર છે, પરંતુ ઈરાનના હુમલાથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી વૈશ્વિક સપ્લાય ખોરવાઈ ગયો છે.
કેમ બન્યું હતું ત્રિંકોમાલી ટેન્ક ફાર્મ?
ત્રિંકોમાલી ટેન્ક ફાર્મ ૧૯૩૦ ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું જેથી હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં રહેલા બ્રિટિશ નૌકાદળને તેલની સપ્લાય કરી શકાય. આ ટેન્ક ફાર્મમાં ૯૯ સ્ટોરેજ ટેન્ક છે અને દરેક ટેન્કની ક્ષમતા ૧૨,૦૦૦ કિલોલીટર છે.
ભારતે કેવી રીતે બનાવી જગ્યા?
૧૯૮૭ માં ભારત-શ્રીલંકા વચ્ચે સમજૂતી થઈ હતી, જેમાં નક્કી કરાયું હતું કે આ ઓઈલ ટેન્કોને ભારત અને શ્રીલંકા મળીને એક સંયુક્ત પ્રોજેક્ટ તરીકે વિકસાવશે. જોકે, દાયકાઓ સુધી આ બાબત અભેરાઈએ ચડી રહી. આ દરમિયાન ભારતે ‘લંકા IOC’ દ્વારા ત્યાં પોતાની જગ્યા બનાવી. આ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની જ એક પેટા કંપની છે. ૨૦૦૩ માં લંકા IOC ને કેટલીક ટેન્કોનું નિયંત્રણ સોંપવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૨૧ માં તત્કાલીન ઉર્જા મંત્રી ઉદયમ ગમ્મનપિલાના નેતૃત્વમાં સિંહલી રાષ્ટ્રવાદી જૂથો અને પેટ્રોલિયમ કોર્પોરેશનની ટ્રેડ યુનિયનોના દબાણ હેઠળ આ સમજૂતી રદ કરવામાં આવી હતી, જે લાંબો સમય ચાલી શકી નહીં.
ભારતની વાપસી?
૨૦૨૨ માં શ્રીલંકાની ભયાનક આર્થિક તબાહીએ કોલંબોને દિલ્હી તરફ પાછા ફરવા મજબૂર કર્યું. એક નવો કરાર કરવામાં આવ્યો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને ૧૪ ટેન્ક પર ૫૦ વર્ષની લીઝ આપવામાં આવી. ૬૧ વધારાની ટેન્કો ઇન્ડિયન ઓઇલ અને સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન વચ્ચેના સંયુક્ત સાહસને સોંપવામાં આવી. ભારત હવે ઉત્તર-પૂર્વના વિકાસ પર કામ કરી રહ્યું છે, જેમાં હવાઈ અને દરિયાઈ માર્ગે કનેક્ટિવિટી સુધારવી, શ્રીલંકાને ભારતની રાષ્ટ્રીય ઉર્જા પ્રણાલીમાં એકીકૃત કરવા માટે ત્રિંકોમાલી ઓઈલ ટેન્ક ફાર્મનું નિયંત્રણ હાથમાં લેવું અને ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની યોજનાઓ સામેલ છે.

