US Iran Negotiations Draft: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે. જોકે, તેમણે કહ્યું કે વૉશિંગ્ટનને યુદ્ધ સમાપ્ત કરવાની કોઈ ઉતાવળ નથી અને ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા પાસે સમય છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેહરાન વાતચીત કરવા તૈયાર છે અને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાને પોતાના પ્રયાસો તેજ કર્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર આ મહિને બે વખત ઈરાન જઈ ચૂક્યા છે.
આ દરમિયાન સાઉદી અખબાર અલ અરેબિયાએ દાવો કર્યો છે કે તેને અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર માટે તૈયાર કરવામાં આવેલો ડ્રાફ્ટ મળ્યો છે. તેમાં ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને હટાવવા અને હોર્મુઝ સ્ટ્રેટને કોમર્શિયલ શિપિંગ માટે ખોલવાની વાત કરવામાં આવી છે.
ડ્રાફ્ટની 8 શરતો
1- ઈરાન પોતાના એનરિચ્ડ યુરેનિયમના જથ્થાને કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત તે એનરિચમેન્ટનું સ્તર ઘટાડી શકે છે.
2- બંને પક્ષો વચ્ચે સહમતિ બન્યા બાદ 7 દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ અવરજવર ફરીથી શરૂ થઈ શકે છે.
3- અમેરિકા અને ઈરાન વચ્ચેના કોઈપણ કરારને લાગુ કરવા અને જાળવી રાખવા માટે અમેરિકા ગેરન્ટર બની શકે છે.
4- અમેરિકા અને ઈરાન વચ્ચે કતરની રાજધાની દોહામાં સીધી વાતચીત થઈ શકે છે.
5- ઈરાન પરમાણુ અને દરિયાઈ સુરક્ષા અંગે પગલાં લેશે, તો બીજી તરફ અમેરિકા તેહરાન વિરુદ્ધ પ્રતિબંધો, ઘેરાબંધી અને આર્થિક પ્રતિબંધો હટાવવાનાં પગલાં લેશે.
6- દરેક આગામી તબક્કાનો અમલ કરતાં પહેલાં એક ઇન્ડિપેન્ડન્ટ વેરિફિકેશન સિસ્ટમ દ્વારા કમ્પ્લાયન્સનું મૂલ્યાંકન કરવામાં આવશે.
7- કોઈપણ પક્ષને મોટી છૂટ આપવાની જરૂર રહેશે નહીં, જ્યાં સુધી તેમને સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શકાય તેવાં વચનો ન મળે.
8- મધ્યસ્થીઓ અને ગેરન્ટર પક્ષોને સામેલ કરીને એક સિસ્ટમ બનાવવામાં આવશે, જે કોઈપણ વિલંબ અથવા ઉલ્લંઘનને દૂર કરશે. તેનાથી નવેસરથી સૈન્ય તણાવ ઊભો થતો અટકાવવામાં મદદ મળશે.
પાકિસ્તાને કહ્યું, સકારાત્મક સંકેત
આ ડ્રાફ્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો ફરી એકવાર તેજ થયા છે. આ જ મહિને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે બે વખત ઈરાનની મુલાકાત લીધી છે. મુનીર બંને પક્ષો વચ્ચે ચીફ મિડિએટરની ભૂમિકા ભજવી રહ્યા છે. શુક્રવારે જ્યારે પાકિસ્તાની આર્મીના પ્રવક્તાને મુનીરની ઈરાન મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેને સકારાત્મક ગણાવી હતી. ચૌધરીએ કહ્યું, “જો કંઈ સકારાત્મક નથી તો ફિલ્ડ માર્શલ બે વખત શા માટે જઈ રહ્યા છે? હા, બિલકુલ, આ સકારાત્મક સંકેત છે.”

