Ambaji Kumbhariya Land Scam: અંબાજીના કુંભારીયામાં ૧૨ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી આદિવાસી મહિલાને કાગળ પર જીવતી બતાવી કરોડોની જમીન પચાવી પાડી

Arati Parmar
3 Min Read

Ambaji Kumbhariya Land Scam: બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક આવેલા કુંભારીયા ગ્રામ પંચાયતમાં સોનાની લગડી સમાન એક ગરીબ આદિવાસી પરિવારની કરોડો રૂપિયાની કિંમતી જમીન બારોબાર પચાવી પાડવાનું એક અત્યંત ચોંકાવનારું અને ધૃણાસ્પદ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ગોરખધંધામાં વર્ષ ૨૦૧૪માં કુદરતી મૃત્યુ પામેલી એક આદિવાસી મહિલાને સરકારી કાગળો પર જીવતી બતાવી, તેના નામે અન્ય કોઈ અજાણી બોગસ મહિલાને ઉભી કરીને કલેક્ટર કચેરી અને નોટરી સમક્ષ ખોટા અંગૂઠા કરાવીને આખી જમીન ત્રીજી જ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ ગંભીર મામલો સામે આવતા જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે તપાસ માટે ખાસ ‘સીટ’ (SIT) ની રચના કરી છે.

મૃત્યુના ૧૫ દિવસ બાદ કલેક્ટર કચેરીમાં મૃતક મહિલાને હાજર દર્શાવી દીધી!

ઘટનાની વિગતો મુજબ, કુંભારીયા ગામના રામીબેન અણંદાભાઈ અંગારીની માલિકીની ૧.૩૨ હેક્ટર જમીન (૭૩AA નવી શરત) વેચવા માટે ૬ મે, ૨૦૧૪ના રોજ કલેક્ટર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જમીન ખરીદવામાં નીરૂબેન મોરજીયાએ રસ દાખવી જૂન ૨૦૧૪માં ૧૫ લાખ રૂપિયામાં બાનાખત કરાવ્યો હતો. પરંતુ કલેક્ટરની સત્તાવાર મંજૂરી મળે તે પહેલા જ ૨૧ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ રામીબેનનું અવસાન થયું અને તેમના પુત્ર જોધાભાઈએ પંચાયતમાં મરણ નોંધ પણ કરાવી દીધી. આશ્ચર્યની વાત એ છે કે, રામીબેનના મૃત્યુના બરાબર ૧૫ દિવસ બાદ, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ કલેક્ટર કચેરીની સુનાવણીમાં કોઈ અજાણી સ્ત્રીને રામીબેન બનાવીને રજૂ કરાઈ, જેણે પોતે ‘નિસંતાન’ હોવાનું ખોટું સોગંદનામું કરી જમીન વેચાણની મંજૂરી મેળવી લીધી હતી.

તલાટી અને બેંક કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા, મરણ રજિસ્ટરમાં છેકછાક કરી

કલેક્ટર કચેરીના અધિકારીઓ, સાક્ષીઓ કે સબ-રજિસ્ટ્રાર દ્વારા ઓળખ ચકાસ્યા વિના જ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ વેચાણ મંજૂરી આપી દેવાઈ અને ૧૭ માર્ચ ૨૦૧૫ના રોજ ફાઈનલ દસ્તાવેજ પણ થઈ ગયો. નકલી દસ્તાવેજોના આધારે કુંભારીયાના તત્કાલીન તલાટી કિરણ ચૌધરીએ રેવન્યુ રેકોર્ડમાં ખરીદનારનું નામ ચઢાવી દીધું હતું. એટલું જ નહીં, રામીબેનના નામે ખોટા પુરાવા ઊભા કરી બેંકમાં ખાતું ખોલાવાયું અને જમીનની પેમેન્ટ પેટે આવેલા ૧૫ લાખ રૂપિયા પણ બારોબાર ઉપાડી લેવાયા હતા, જેમાં બેંકના કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની વેરિફિકેશન કરવાની તસ્દી લીધી ન હતી.

- Advertisement -

વર્ષ ૨૦૨૫માં પુત્ર જ્યારે મરણનો દાખલો લેવા ગયો ત્યારે કૌભાંડનો ભાંડો ફૂટ્યો

આ આખું કૌભાંડ ત્યાં સુધી દબાયેલું રહ્યું જ્યાં સુધી વર્ષ ૨૦૨૫માં રામીબેનના અસલી પુત્ર જોધાભાઈને પોતાની જમીન વેચાઈ ગઈ હોવાની ગંધ આવી. તેમણે તાત્કાલિક ગ્રામ પંચાયતમાં મરણના દાખલા માટે અરજી કરી ત્યારે તત્કાલીન તલાટીએ એવો વિચિત્ર અને ગોળગોળ જવાબ આપ્યો કે, “વર્ષ ૨૦૧૪ના મરણ રજિસ્ટરના એ પાના પર ભારે છેકછાક હોવાથી સત્તાવાર દાખલો આપી શકાય તેમ નથી.” આ શંકાસ્પદ જવાબ મળતા જ પીડિત પરિવારે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી અને તપાસ શરૂ થતા આખું રેકેટ ખુલ્લું પડી ગયું. હાલ કલેક્ટર મિહિર પટેલે (Mihir Patel) અધિક કલેક્ટર (દાંતા) અને પ્રાંત અધિકારી સહિતની ૪ સભ્યોની એસઆઈટી બનાવીને તમામ સરકારી રેકોર્ડ જપ્ત કર્યા છે અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat Dolphin Census: ગુજરાત બન્યું ડોલ્ફિનનું મનપસંદ સરનામું, સંખ્યા 680ને પાર, ઓખાથી નવલખી સુધી જોવા મળ્યો ડોલ્ફિનનો અદ્ભુત જમાવડો – Newz Cafe

- Advertisement -
Share This Article