Baia Underwater City: સમુદ્રની નીચે મળ્યું પ્રાચીન બાઇયા શહેર, જ્વાળામુખીની વધતી સક્રિયતાથી અંડરવોટર મ્યુઝિયમ પર ખતરો
Baia Underwater City: અમેરિકાનું લાસ વેગાસ આજે દુનિયાનું સિન સિટી (પાપનું શહેર) તરીકે ઓળખાય છે. તેનું કારણ આ શહેરમાં ચોવીસે કલાક ચાલતી પ્રવૃત્તિઓ અને મનોરંજન છે, જે કદાચ અન્ય ક્યાંય એટલી સરળતાથી ઉપલબ્ધ નથી. પરંતુ આજથી અંદાજે 2,200 વર્ષ પહેલાં રોમનોએ પણ આવું જ એક શહેર વસાવ્યું હતું, જ્યાં રોમના અમીર અને પ્રભાવશાળી લોકો પોતાના અનોખા શોખ પૂરા કરવા જતા હતા. તેને રોમન અમીરોનું લાસ વેગાસ કહેવાતું હતું. નેપલ્સના પશ્ચિમમાં આવેલું આ શહેર બાઇયા (Baia) તરીકે ઓળખાતું હતું, જે આજે સમુદ્રમાં સમાઈ ગયું છે.
સીઝરની હત્યા સમયે અહીં હતી ક્લિયોપેટ્રા
ઈસા પૂર્વે બીજી સદીના અંત સુધીમાં બાઇયા રોમના અમીરો માટે લોકપ્રિય સ્થળ બની ગયું હતું. સિસેરો, પ્લિની, નીરો અને સીઝર જેવી રોમની જાણીતી હસ્તીઓ અહીં રજાઓ માણવા આવતી હતી. તે પોતાના સમયનું એક રિસોર્ટ શહેર હતું. એવું પણ કહેવાય છે કે જુલિયસ સીઝરની હત્યા બાદ તેની પ્રેમિકા અને ઈજિપ્તની સુંદર રાણી ક્લિયોપેટ્રા આ જ શહેરમાંથી પોતાના દેશમાં પરત ગઈ હતી.
આજે બાઇયાનો મોટાભાગનો ભાગ સમુદ્રની નીચે ડૂબેલો છે. 1940ના દાયકામાં હવાઈ તસવીરો દ્વારા પ્રથમ વખત જાણવા મળ્યું કે સમુદ્રની સપાટી નીચે કોઈ વિશાળ માળખું હાજર છે. ત્યારબાદ પુરાતત્ત્વવિદોએ અહીં તપાસ હાથ ધરી અને તેમને સમુદ્રની નીચે આખું ડૂબેલું શહેર મળી આવ્યું. આજે આ સ્થળ દુનિયાનું સૌથી મોટું અંડરવોટર મ્યુઝિયમ માનવામાં આવે છે. પુરાતત્ત્વવિદોને અહીં મોટી સંખ્યામાં પ્રાચીન અવશેષો અને ઐતિહાસિક વસ્તુઓ મળી આવી છે.
પાણીમાં ડૂબેલા શહેર પર ખતરો મંડરાઈ રહ્યો છે
દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં પાણીમાં ડૂબેલા ખંડેરો જોવા આવે છે, પરંતુ હવે આ સ્થળ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ વિસ્તારનો જ્વાળામુખી ફરી સક્રિય બનતો હોવાથી પ્રવાસીઓ માટે આ વિસ્તાર બંધ કરવાની ચર્ચા ચાલી રહી છે.
જ્વાળામુખીના વિસ્તારમાં વસેલું છે શહેર
બાઇયા ફ્લેગ્રેયન ફિલ્ડ્સ નામના વિસ્તારમાં આવેલું છે, જે એક સુપર જ્વાળામુખીનો ભાગ અને વિશાળ કેલ્ડેરા છે. આ વિસ્તારમાં અનેક નાના જ્વાળામુખી વેન્ટ આવેલા છે. જ્યારે મેગ્મા આ વિસ્તારમાં ઉપરની તરફ આગળ વધે છે ત્યારે જમીન ઊંચી થાય છે. પરંતુ જ્યારે તે પાછું ખસે છે ત્યારે જમીન નીચે ધસી જાય છે. તેના કારણે આ વિસ્તારની જમીન ક્યારેક સમુદ્રની સપાટીથી ઉપર આવે છે તો ક્યારેક ફરી સમુદ્રની નીચે જતી રહે છે.

