બનાવટી દાનની રસીદો બનાવી ટેક્સમાં છૂટ અપાવી, 5%થી 10% કમિશન કાપીને રોકડ પરત કર્યાનો આરોપ
Fake Political Donations: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ગુજરાતમાં CID ક્રાઇમની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) પાસે ત્રીજી ફરિયાદ નોંધાવી છે. તેમાં ₹1143.85 કરોડના બનાવટી રાજકીય દાનના રેકેટનો આરોપ લગાવવામાં આવ્યો છે. ‘સત્યવાદી રક્ષક પાર્ટી’ (રજિસ્ટર્ડ પરંતુ માન્યતા ન ધરાવતી રાજકીય પાર્ટી), તેના હોદ્દેદારો અને એક કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટન્ટ (CMA) સામેલ છે. BNJDના પણ હોદ્દેદારોનાં નામ FIRમાં છે.
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ નેટવર્કનો ઉપયોગ બનાવટી દાનની રસીદો બનાવવા, દાતાઓને ટેક્સમાં છૂટ અપાવવા અને ત્યારબાદ કમિશન કાપીને નાણાં રોકડમાં પરત આપવા માટે કરવામાં આવતો હતો.
આ પક્ષો વિરુદ્ધ કેસ
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ₹1143.85 કરોડથી વધુના વ્યવહારો ધરાવતા બે કથિત બનાવટી રાજકીય દાનના નેટવર્કની ઓળખ કરી હતી. ત્યારબાદ EOW પાસે અલગ અલગ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. આ બે ફરિયાદો ‘ગરીબ કલ્યાણ પાર્ટી’, ભારતીય રાષ્ટ્રીય જનતા દળ અને ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ સાથે જોડાયેલી છે. ફરિયાદોમાં રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPP) તરીકે જણાવવામાં આવ્યું છે.
ઇન્કમ ટેક્સના ડેપ્યુટી ડિરેક્ટરે કેસ નોંધાવ્યો
ઇન્કમ ટેક્સ (ઇન્વેસ્ટિગેશન, ભરૂચ)ના ડેપ્યુટી ડિરેક્ટર સૌરવ ગર્ગ તરફથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કથિત રેકેટમાં CMA બ્રિજેશ મહેતા સાથે સત્યવાદી રક્ષક પાર્ટીના હોદ્દેદાર સ્વાતિ પટેલ, અન્ય એક હોદ્દેદાર અને બિરેન મહેતા સામેલ હતા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે આરોપીઓએ મળીને ટેક્સપેયર્સ પાસેથી દાનની રકમ ચેક અને બેન્કિંગ ચેનલો દ્વારા પાર્ટીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી.
10 ટકા સુધી કમિશન કાપીને રકમ પરત કરવામાં આવતી હતી
ફરિયાદમાં આરોપ છે કે દાતાઓને રાજકીય દાનની રસીદો આપવામાં આવતી હતી, જેથી તેઓ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80GGC હેઠળ ટેક્સમાં છૂટનો દાવો કરી શકે. કથિત રીતે પાર્ટીના ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવતા હતા, જેમાંથી 5%થી 10% હિસ્સો કમિશન તરીકે રાખી લેવામાં આવતો હતો અને બાકીની રકમ દાતાઓને રોકડમાં પરત આપવામાં આવતી હતી.
અસલી વાઉચર, બિલ અથવા ખર્ચના રેકોર્ડ ઉપલબ્ધ નહોતા
ફરિયાદ મુજબ, નાણાકીય વર્ષ 2022-23, 2023-24 અને 2024-25 દરમિયાન પાર્ટીના બેન્ક ખાતામાં કુલ ₹415 કરોડના વ્યવહારો થયા હતા. ડિપાર્ટમેન્ટનો આરોપ છે કે પાર્ટીની કોઈ વાસ્તવિક રાજકીય પ્રવૃત્તિ નહોતી અને તેના ખાતામાં તેની સાથે જોડાયેલા અસલી વાઉચર, બિલ અથવા ખર્ચના રેકોર્ડ ઉપલબ્ધ નહોતા.
બનાવટી રસીદો બનાવવામાં આવી
એક મુખ્ય આરોપ એ છે કે મહેતાએ વ્યવહારોની યોગ્ય તપાસ કર્યા વિના જ દાનનો રિપોર્ટ અને બેલેન્સ શીટ તૈયાર કરી અને તેના પર ડિજિટલ હસ્તાક્ષર કર્યા હતા. ફરિયાદ અનુસાર, ત્યારબાદ આ દસ્તાવેજો ઇન્કમ ટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. વિભાગે એવો પણ આરોપ લગાવ્યો છે કે વ્યવહારોને યોગ્ય દર્શાવવા અને રોકડ ઉપાડવામાં સરળતા રહે તે માટે બનાવટી ખર્ચ અને ખરીદીના બિલ બનાવવામાં આવ્યા હતા.
સરકારને કરોડોનું નુકસાન
ફરિયાદમાં સરકારને થયેલા કથિત નુકસાનનો અંદાજ ₹124.5 કરોડ લગાવવામાં આવ્યો છે. આ રકમ કથિત રીતે મળેલા ₹415 કરોડના દાનની 30% છે. આ કૌભાંડમાં 56,238 દાતાઓએ દાન આપ્યું હતું. આવકવેરા વિભાગનો અંદાજ છે કે સરકારી તિજોરીને આશરે ₹343 કરોડનું નુકસાન થયું છે.
FIRમાં આ લોકોનાં નામ
CID ક્રાઇમના ગાંધીનગર ઝોને આ મામલે BNJD પ્રમુખ સુરેન્દ્રકુમાર ગજેરા, મહાસચિવ વિપુલ સોલંકી, ખજાનચી રૌનકસિંહ ચાવડા અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ-કમ-ઓડિટર આદિલ સૈયદ સાથે પાર્ટીના એક સભ્યને પણ આરોપી બનાવ્યા છે.
આ રીતે કરોડોનો ખેલ થતો હતો
ટેક્સપેયર્સે RTGS સહિત બેન્કિંગ ચેનલો દ્વારા પાર્ટીને નાણાં ટ્રાન્સફર કર્યા અને તેમને દાનની રસીદો આપવામાં આવી હતી, જેથી તેઓ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ રાજકીય પક્ષોને આપવામાં આવેલા યોગદાન પર ઉપલબ્ધ કપાતનો દાવો કરી શકે. ત્યારબાદ આ રકમ પાર્ટીના ખાતામાંથી J Trading, Kajal Enterprises અને Parmar Associates જેવી મધ્યસ્થી ફર્મોને ટ્રાન્સફર કરવામાં આવી હતી. અનાજ, કઠોળ અને અન્ય વસ્તુઓની ખરીદી દર્શાવતા બનાવટી બિલ અને ઇન્વૉઇસ કથિત રીતે ટ્રાન્સફરનો હિસાબ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ રોકડમાં નાણાં ઉપાડવામાં આવ્યા હતા.
ફરિયાદમાં આરોપ છે કે 2%થી 10% સુધી કમિશન રાખવામાં આવતું હતું અને બાકીની રકમ અંગડિયા ચેનલો અને હવાલા નેટવર્ક દ્વારા મૂળ દાતાઓને પરત કરવામાં આવતી હતી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો અંદાજ છે કે આ વ્યવસ્થાના પરિણામે આશરે ₹343 કરોડનું સીધું ટેક્સ નુકસાન થયું છે.

