Surat Fake Food Inspector Gang: સુરતમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટર બની હોટલ-કેફે સંચાલકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ, એક આરોપી ઝડપાયો

Arati Parmar
2 Min Read
Surat Fake Food Inspector Gang

Surat Fake Food Inspector Gang: સુરત શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુરત પોલીસ દ્વારા ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સરકારી ફૂડ ઇન્સ્પેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને હોટલ અને કેફે સંચાલકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે એક આરોપીને આણંદમાંથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગેંગના સભ્ય નિરજે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા ફ્લેમ્સ કેફેના સંચાલકનો વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા સંપર્ક કર્યો હતો. તેણે પોતાની ઓળખ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર નીતિનભાઈ તરીકે આપી હતી. કેફેમાં ચેકિંગ કરવા આવવાનું કહી તેણે ચેકિંગ ફીના નામે રૂ.3,500ની માંગણી કરી હતી.

- Advertisement -

આરોપીઓએ કેફેનું ચેકિંગ કર્યા બાદ સારો રિવ્યૂ આપવા અને સર્ટિફિકેટ બનાવી આપવાની લાલચ પણ આપી હતી. આ રીતે વિશ્વાસમાં લઈને અલગ-અલગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.29,090 પડાવી લીધા હતા.

આણંદમાં આ પ્રકારની ગેંગ સક્રિય હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યોગેશ અને નિરજ નામના બે શખ્સ સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલી ધ કેરેટર હોટલમાં કુક તરીકે કામ કરે છે. પોલીસે હોટલમાંથી યોગેશ ત્રિલોચન ભટ્ટ (ઉં.વ.30)ની ધરપકડ કરી હતી.

- Advertisement -

પૂછપરછમાં યોગેશે ફ્લેમ્સ કેફે સાથે થયેલી છેતરપિંડી અંગે વિગતો આપી હતી. આરોપીઓએ પડાવેલી રકમ યોગેશના બેંક ઓફ બરોડાના ખાતામાં જમા કરાવી હતી. આ મામલે પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે ગેંગના અન્ય સભ્ય નિરજને પકડવા માટે તપાસ ચાલી રહી છે.

- Advertisement -
Share This Article