Abdul El-Sayed: અમેરિકામાં 3 મેના રોજ યોજાયેલી મધ્યસત્રની ચૂંટણીમાં સેનેટર તરીકે ચૂંટાયેલા અબ્દુલ અલ-સૈયદે એક મુલાકાતમાં ઇઝરાયેલની જેમ પાકિસ્તાન, ઇજિપ્ત અને જોર્ડનને આપવામાં આવતી આર્થિક સહાય રોકવાની માગ કરી છે. તેમણે કહ્યું છે કે આ દેશો અમેરિકાના ભંડોળનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન માટે કરે છે. તમને જણાવી દઈએ કે અબ્દુલ ડેમોક્રેટિક પાર્ટીના છે અને મિશિગનમાંથી સેનેટર તરીકે ચૂંટાયા છે. તેમણે રિપબ્લિકન પાર્ટીના માઇક રોજર્સને હરાવ્યા છે.
અબ્દુલ અલ-સૈયદે મુલાકાતમાં કહ્યું કે અમેરિકાના કરદાતાઓના નાણાંનો ઉપયોગ એવા દેશોને મદદ કરવા માટે થવો જોઈએ નહીં, જેમના પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ છે. ABC ન્યૂઝને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું કે અમેરિકાએ નક્કી કરવું જોઈએ કે તેનાં પોતાનાં પગલાં આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોય. આ મુદ્દો માત્ર ઇઝરાયેલ પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ.
તેમણે મુલાકાતમાં કહ્યું, ‘આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે આપણે પોતાને જવાબદાર રાખીએ? અને આ વાત માત્ર ઇઝરાયેલની નથી. ઇજિપ્તના કિસ્સામાં પણ મારો આવો જ મત છે, જ્યાંથી મારા પરિવારના લોકો આવીને વસ્યા હતા. પાકિસ્તાન અને જોર્ડનના કિસ્સામાં પણ મારો આવો જ અભિપ્રાય છે. મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનો અમલ કરાવવાના મામલે આપણે સૌથી આગળ રહેવું જોઈએ.’
Breaking: America must hold Pakistan, Egypt, Jordan accountable under international law, says US Senator-elect Abdul El-Sayed https://t.co/Ho5h7eMt16
— Shashank Mattoo (@MattooShashank) November 8, 2026
ભારતની જેમ જ અબ્દુલ અલ-સૈયદે રજૂ કરી દલીલ!
અબ્દુલ અલ-સૈયદે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. ભારત વર્ષોથી આવી જ માગ કરતું આવ્યું છે. અબ્દુલ અલ-સૈયદની આ તાજેતરની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભારતે ઇસ્લામાબાદને આપવામાં આવતી નાણાકીય સહાયનો વિરોધ કર્યો છે. ભારતે ચિંતા વ્યક્ત કરી છે કે IMF અને વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી પાકિસ્તાનને મળતા ભંડોળનો ઉપયોગ તે રાજ્યપ્રેરિત આતંકવાદને પ્રોત્સાહન આપવા અને સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરે છે.
ભારતનું કહેવું રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ભંડોળનો પરોક્ષ રીતે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગ થવો જોઈએ નહીં. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા દેશોને આર્થિક સહાય પણ મળવી જોઈએ નહીં.
નવી દિલ્હીએ પાકિસ્તાનને વર્લ્ડ બેંક તરફથી મળનારા વધારાના ભંડોળ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ભારતે આ માટે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) જેવા મંચ પર પાકિસ્તાનના રેકોર્ડનો હવાલો આપ્યો છે.
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ પાકિસ્તાન માટે 1 અબજ ડૉલરનું નાણાકીય પેકેજ જાહેર કર્યું છે. આ અંગેના મતદાનથી ભારત દૂર રહ્યું હતું, તેમ છતાં IMF તરફથી પાકિસ્તાનને 1 અબજ ડૉલરનું ભંડોળ મળ્યું હતું.
પાકિસ્તાનને ‘રેન્ટિયર સ્ટેટ’ ગણાવ્યું
અબ્દુલ અલ-સૈયદે જણાવ્યું કે પાકિસ્તાનને ઇઝરાયેલ અને ઇજિપ્ત જેવા દેશોની જેમ જ અમેરિકા તરફથી સહાય મળે છે, પરંતુ હકીકતમાં પાકિસ્તાન એક એવો ‘રેન્ટિયર સ્ટેટ’ એટલે કે બીજા દેશોની સહાય પર નિર્ભર દેશ છે, જે એક વસાહતની જેમ કામ કરે છે. હવે તેની સ્થિતિ એવી પણ રહી નથી કે તેને કોઈ વાસ્તવિક મદદ મળી શકે. તેના બદલે આ દેશ અમેરિકા સમર્થિત સંસ્થાઓના દેવામાં ખરાબ રીતે ફસાયેલો છે, જેનો બોજ માત્ર સામાન્ય નાગરિકો પર પડે છે.
તેમણે કહ્યું કે આ દેવાનો ઉપયોગ મુખ્યત્વે સરકારી ખર્ચ પૂરો કરવા અને પાકિસ્તાની સેનાનાં હિતો સાધવા માટે થાય છે. જ્યારે દેખાડા માટે કેટલાક એવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જેનાથી એવું લાગે કે સામાન્ય નાગરિકોની મદદ કરવામાં આવી રહી છે.

