નવી દિલ્હી, તા. 28 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસના મામલે ભારત સાથે સંબંધ ખરાબ કરવામાં કોઇ જ કચાસ નહીં રાખનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં જુઠ્ઠાણાંની પોલ પાછી ખૂલી ગઇ છે. હકીકત એવી બની છે કે, કેનેડાના જ પોલીસ કમિશનરે નિજ્જર હત્યાકાંડમાં ભારતની સંડોવણીના કોઇ જ પુરાવા નથી, તેવું સ્પષ્ટ કહી દીધું છે.
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના કમિશનર માઇક ડુહેમે આપેલાં આ નિવેદને ભારે અચરજ ફેલાવ્યું છે. કમિશનરનાં નિવેદનથી ભારત સરકાર પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મૂકેલા આરોપો સાવ ખોટા પૂરવાર થઇ ગયા છે. કેનેડાના અધિકારીઓએ 14મી ઓકટોબરના પત્રકાર પરિષદ યોજીને આરોપ મૂક્યો હતો કે, નિજ્જરની હત્યાના મામલામાં ભારતીય એજન્ટસની સંડોવણી હોવાના નક્કર પુરાવા મળ્યા છે. ખાસ જાણવા જેવી વાત તો એ જ છે કે, તાજેતરમાં જ કેનેડાના પોલીસ કમિશનર ડુહેમે એક કેનેડાના મીડિયા સીટીવી ન્યૂઝને જણાવ્યું હતું કે, અમે પુરાવાઓના આધારે તપાસ કરી રહ્યા છીએ.

