Matthew Brownlee International Debut: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ખેલાડીઓ 40 વર્ષની ઉંમર સુધીમાં નિવૃત્તિ લઈ લે છે, પરંતુ હવે એક એવો ખેલાડી સામે આવ્યો છે જેણે 62 વર્ષની વયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એવી ઉંમરે પદાર્પણ કરીને જ્યારે લોકો માટે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે, આ ખેલાડીએ સાબિત કર્યું કે રમવાની કોઈ ઉંમર હોતી નથી.
કોણ છે આ ખેલાડી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 10 માર્ચે કોસ્ટા રિકા અને ફોકલેન્ડ ટાપુઓ વચ્ચે T20 મેચ રમાઈ હતી. આ મેચમાં મેથ્યુ બ્રાઉનલી નામના ખેલાડીએ 62 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ સાથે મેથ્યુ બ્રાઉનલી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ સાથે મેથ્યુએ ઉસ્માન ગોકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મેથ્યુ બ્રાઉનલી અત્યાર સુધી ત્રણ T20 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બેટિંગ કરતા માત્ર 6 રન બનાવ્યા છે. આ સિવાય તેણે એક ઓવર પણ નાખી છે. બોલિંગ દરમિયાન તેને હજુ સુધી કોઈ વિકેટ મળી નથી.
ઉસ્માન ગોકરે 59 વર્ષની ઉંમરે કર્યું હતું ડેબ્યૂ
વર્ષ 2019 માં, ઉસ્માન ગોકરે 59 વર્ષની ઉંમરે ઇલ્ફોવ કાઉન્ટીમાં રમાયેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ઉસ્માન ગોકરે આ મેચ તુર્કી તરફથી રમી હતી. જો ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો રૂસ્તમજી જમશેદજીએ 41 વર્ષની ઉંમરે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જમશેદજી ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી વૃદ્ધ ક્રિકેટર હતા.