MS Dhoni Umpire Fight 2019: એમએસ ધોનીને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે, તે પોતાના શાંત સ્વભાવથી ઘણી વખત અઘરી મેચોને પલટી ચૂક્યો છે પરંતુ જ્યારે ધોનીને ગુસ્સો આવે છે તો બધા જોતા રહી જાય છે, તો શું તમે વિશ્વાસ કરી શકશો?
વર્ષ 2019માં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ રમાઈ રહી હતી. અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે 18 રન બનાવવાના હતા અને ધોની આઉટ થઈ ચૂક્યો હતો પરંતુ એક નો-બોલ ના નિર્ણયનો વિરોધ કરવા ધોની અમ્પાયર સામે લડવા મેદાનમાં ઉતરી આવ્યો હતો. ધોની પર તે હરકત બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હવે ઘણા વર્ષો બાદ તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.
ઘણા વર્ષો બાદ માફી માગી
એમએસ ધોની તાજેતરમાં જ માસ્ટરકાર્ડ ઈન્ડિયા દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં પહોંચ્યો જ્યાં તેને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેને અમ્પાયરની સાથે તે પ્રકારનું વર્તન કરવાનું દુ:ખ છે. ધોનીએ જવાબમાં કહ્યું, ‘ઘણી વખત મને વિચારીને ખરાબ લાગે છે. હું એક મેચ દરમિયાન મેદાનમાં ઉતરી આવ્યો હતો. તે ખૂબ મોટી ભૂલ હતી. ખરાબ વર્તન માટે ધોની પર મેચ ફી ના 50 ટકા દંડ લગાવવામાં આવ્યો હતો. જોકે ધોનીએ એ પણ કહ્યું કે એક કેપ્ટનની જેમ વિચારીએ તો તે નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય હતો.
શા માટે ધોનીને ગુસ્સો આવ્યો હતો
ચેન્નઈ વર્સેસ રાજસ્થાન મેચમાં ગ્રાઉન્ડ અમ્પાયર ઉલ્હાસ ગાંધી નો-બોલનું સિગ્નલ આપ્યું હતું પરંતુ બાદમાં હાથ નીચે કરી લીધો હતો. બંને અમ્પાયરોએ વિચાર-વિમર્શ કરીને તેને લીગલ બોલ ગણાવ્યો હતો. આ નિર્ણયથી ગુસ્સે થઈને ધોની મેદાનમાં ઉતરી આવ્યો હતો. અંતે તે બોલને લીગલ ગણાવાયો હતો. ધોનીએ અન્ય કેપ્ટનોને પણ સલાહ આપતાં કહ્યું કે ‘જ્યારે પણ ગુસ્સો આવે ઊંડા શ્વાસ લેવા જોઈએ અને પોતાનું મોઢું બંધ રાખવું જોઈએ.’