Pahalgam Terror Attack: ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટોએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ‘ઈન્ડોનેશિયામાં પાળવામાં આવતો ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી. અમે આ આતંકી હુમલાનો સામનો કરવામાં ભારતની સાથે છીએ. કોઈપણ પ્રકારનો આતંકવાદ કોઈ પરિણામ આપી ના શકે. તેથી આપણે હથિયારો છોડી દીધા પછી જ વાત કરવી જોઈએ.’ નોંધનીય છે કે, ઈન્ડોનેશિયાના ટોચના નેતાએ તેમના દેશમાં તહેનાત ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીને આ વાત કહી. રાષ્ટ્રપતિએ આ બેઠક ફક્ત પહલગામ આતંકી હુમલાની ચર્ચા કરવા માટે બોલાવી હતી.
ઈન્ડોનેશિયામાં વિશ્વના સૌથી વધુ મુસ્લિમો રહે છે
ઈન્ડોનેશિયાની આ ટિપ્પણી મહત્ત્વપૂર્ણ છે કેમ કે ત્યાં વિશ્વના સૌથી વધુ મુસ્લિમો રહે છે. ઈન્ડોનેશિયાના લોકો હજુ પણ તેમની સંસ્કૃતિને ભારત સાથે જોડે છે. ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ કહ્યું કે, ‘ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ તેમને ફોન કરીને વાત કરી અને પહલગામ આતંકી હુમલા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જરૂરિયાતની આ ઘડીમાં ભારતની સાથે ઊભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તમને જણાવી દઈએ કે તણાવ વચ્ચે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉઓપરેશનએ પાકિસ્તાનને ટેકો આપ્યો છે. આવી સ્થિતિમાં ઈન્ડોનેશિયાની પ્રતિક્રિયા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં 22મી એપ્રિલે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમને ગોળી મારીને હત્યા કર્યાનો દાવો કરાયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ત્યારથી તણાવ છે. ભારતે અનેક પાકિસ્તાની રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. આ ઉપરાંત સિંધુ જળસંધિ પણ રોકી દેવામાં આવી છે. દરમિયાન વાઘા અને અટારી સરહદો બંધ કરી દેવામાં આવી છે. તણાવની આ સ્થિતિમાં દુનિયા અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોના વલણ પર નજર રાખી રહી છે. મુસ્લિમ દેશોના સંગઠન તરફથી પણ એક નિવેદન આવ્યું છે.