Manipur News : 3 મે 2023ના રોજ મણિપુરમાં હિંસાની શરૂઆત થઇ હતી, જેને બે વર્ષ વીતી ગયા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે બે હજારથી વધુ ઘવાયા હતા, તેમજ 70 હજારથી વધુ વિસ્થાપિત થઇ ગયા છે અને રાહત કેમ્પોમાં રહેવા મજબુર છે. એવામાં ત્રણ મેના રોજ વિવિધ સંગઠનોએ મણિપુર બંધની જાહેરાત કરી હતી. જેથી શનિવારે મણિપુરમાં બંધ પાળવામાં આવ્યો હતો. જેની અસર સામાન્ય જનજીવન પર જોવા મળી હતી.
મણિપુરમાં બે વર્ષ પહેલા મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે હિંસાની શરૂઆત થઇ હતી, આ હિંસાને ત્રણ વર્ષ વીતી ગયા છે. એવામાં જે પણ લોકો માર્યા ગયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૈતેઇ અને કુકી સમુદાય દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મૈતેઇ સંગઠનોએ ઘાટીના જિલ્લાઓમાં જ્યારે કુકી સંગઠનોએ પહાડી જિલ્લાઓમાં બંધની જાહેરાત કરી હતી. જેને પગલે સમગ્ર મણિપુર ત્રણ મેના રોજ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. માર્કેટો, શાળા-કોલેજો બંધ રહ્યા હતા સાથે જ સરકારી વાહનો જેમ કે બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ વગેરે પણ બંધ રહ્યા હતા. બંધને પગલે સુરક્ષા માટે જાહેર સ્થળોએ મોટાપાયે સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરાયા હતા.
મૈતેઇ સમાજના સામુહિક સંગઠન કોઓર્ડિનેટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટેગ્રિટીએ ઇમ્ફાલમાં કેન્ડર માર્ચ કાઢી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે પહાડી જિલ્લાઓ ચુરાચંદપુર અને કાંગપોકપી જિલ્લામાં કુકી સમુદાયના લોકોએ વિભાજન દિવસ મનાવ્યો હતો અને પોતાના માટે અલગ પ્રાંતની માગણી કરી હતી. ચુરાચંદપુર જિલ્લામાં હિંસામાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક યાદગીરીની દિવાલ બનાવાઇ છે જ્યાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બીજી તરફ હિંસાના ત્રણ વર્ષ છતા કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવ્યા હતા અને હિંસા રોકવામાં નિષ્ફળ ગયા હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી મણિપુરમાં રાજધર્મ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હોવા છતા મણિપુરની જમીની સ્તરની સ્થિતિ અલગ છે. મણિપુરમાં ફરી ચૂંટણી યોજાવી જોઇએ.