India exports to US: રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં ૯૦ દિવસની સ્થગિતી વચ્ચે વર્તમાન વર્ષના માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૨ મહિનાની સરેરાશના પચાસ ટકા જેટલી ઊંચી રહીને ૧૧.૨૦ અબજ ડોલર રહી છે. માત્ર ભારત જ નહીં અન્ય દેશોની નિકાસમાં પણ વધારો જોવા મળ્યો છે.
કોઈ એક મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસ ૧૦ અબજ ડોલરને પાર રહી હોવાનું આ પહેલી વખત જોવા મળ્યું છે. ભારત ખાતેથી નિકાસ વધી જતા બન્ને દેશો વચ્ચે માર્ચનો દ્વીપક્ષી વેપાર આંક ૧૫ અબજ ડોલર જેટલો રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.
૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં અમેરિકા ખાતે ભારતનો નિકાસ આંક ૨૭.૭૦ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૧૦.૫૦ અબજ ડોલરની રહી હતી.
આમ માર્ચની ભારત સાથેની અમેરિકાની વેપાર ખાધ ૧૭.૨૦ અબજ ડોલર રહી હતી.
૨૦૨૪માં ભારત-અમેરિકા વચ્ચે ૧૨૯.૨૦ અબજ ડોલરનો દ્વીપક્ષી વેપાર થયો હતો જે ૨૦૨૩માં ૧૨૪.૧૦ અબજ ડોલર રહી હતી.
રેસિપ્રોકલ ટેરિફમાં લાગુ થાય તે પહેલા જ અમેરિકાના ટ્રેડરો દ્વારા સ્ટોક કરી લેવા આયાતમાં વધારો થતાં ભારત સહિત અનેક દેશોની અમેરિકા ખાતે નિકાસમાં માર્ચમાં વધારો જોવા મળ્યો છે.
અમેરિકાની એકંદર વેપાર ખાધ જે ફેબુ્રઆરીમાં ૧૨૩.૨૦ અબજ ડોલર રહી હતી તે માર્ચમાં વધી ૧૪૦.૫૦ અબજ ડોલર રહી હોવાનું અમેરિકાના સેન્સસ બ્યુરોના ડેટા જણાવે છે.
આયાતમાં વધારા ઉપરાંત માર્ચ ત્રિમાસિકમાં અમેરિકાનો આર્થિક વિકાસ દરમાં ત્રણ વર્ષમાં પહેલી વખત ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાએ વિવિધ દેશોની આયાત પર ટેરિફમાં વધારો કર્યો છે જેમાં ભારત પર ૨૬ ટકા જ્યારે ચીન પર ૧૪૫ ટકા લાગુ કરાઈ છે.