Drop in Tobacco Prices: છેલ્લા ચાર વર્ષથી વૈશ્વિક સ્તરે સતત ઊંચી માગ રહેવાને કારણે ભારતના તમાકુ ઉત્પાદકોને મળેલા સારા ભાવ બાદ હવે ભાવમાં કડાકો બોલાઈ જતા તમાકુના ખેડૂતો માટે કપરા દિવસો આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને બ્લેક બરલે તમાકુના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જ્યારે ફ્લ્યુ -કર્ડ વર્જિનિયા (એફસીવી) જાતિના તમાકુના ખેડૂતોને હાલમાં કોઈ જોખમ જોવાતું નથી.
બ્લેક બરલેનું ઉત્પાદન જે સામાન્ય રીતે ૩ કરોડ કિ. ગ્રા. થતું હોય છે તે વર્તમાન વર્ષમાં ત્રણ ગણા જેટલુ વધી ૮ કરોડ કિ. ગ્રા. પહોંચી ગયું છે.
છેલ્લા ચાર વર્ષથી સારા ભાવ મળી રહેતા હોવાથી ખેડૂતોએ બ્લેક બરલેનો વધુ પાક લેવાનું શરૂ કર્યું હતું. બ્લેક બરલેના ભાવ જે ગયા વર્ષે પ્રતિ કિલો રૂપિયા ૧૫૦થી રૂપિયા ૧૭૦ મળી રહેતા હતા તે હાલમાં ઘટી રૂપિયા ૧૨૦ આસપાસ બોલાઈ રહ્યા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
તમાકુના વૈશ્વિક ભાવમાં ઘટાડો થઈ રહ્યાનું ધ્યાનમાં આવતા ટોબેકો બોર્ડે ખેડૂતોને તમાકુનો વધુ પાક લેવા સામે ચેતવ્યા છે. દેશમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન આન્ધ્ર પ્રદેશમાં થાય છે.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં દેશમાંથી તમાકુનો નિકાસ આંક રૂપિયા ૧૬૦૦૦ કરોડ રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં નિકાસમાં અઢી ગણો વધારો થયો છે.