Plastic Bottle ban : ગુજરાત સરકારે ઉઠાવ્યું પ્લાસ્ટિક વિરોધી પગલું: વિધાનસભા અને સચિવાલયમાં કાચની બોટલ ફરજિયાત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Plastic Bottle ban : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવશે. એટલું જ નહી પ્લાસ્ટિક બોટલના ભાવે જ કાચની બોટલમાં પીવાનું પાણી મળશે. પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવા સચિવાલય કેમ્પસમાં મહિલા મંડળ દ્વારા નવા સચિવાલય બ્લોક નંબર 13ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે.

આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને કારણે પ્લાસ્ટિક વેસ્ટમાં પણ ઘટાડો થશે.

- Advertisement -

માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ અને ટીમે વિકસાવેલી છે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ પ્રતીક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે.

આ પ્રકારનો પાયલોટ પ્રોકેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. અહીં પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે.

- Advertisement -
Share This Article